Ahmedabad,તા.26
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની યાત્રા સ્થળે જ ફરી એક વખત રાજયમાં ભાજપના નવા સંગઠન માળખાથી મંત્રીમંડળ વિસ્તરણ અંગે વધેલી ચર્ચાઓ ગઈકાલે રાજય ભાજપના પ્રમુખ તથા કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર.પાટીલે ચર્ચાને વેગ આપતા નિવેદન કરીને રસપ્રદ સ્થિતિ બનાવી છે.
શ્રી મોદીના આગમન પુર્વે કમલમમાં ભાજપના સાંસદો-ધારાસભ્યો તથા જીલ્લા-મહાનગર પ્રમુખોની બેઠકને સંબોધન કરતા ટુંક સમયમાં જ આપણે અહી બે વખત મળશું. આમ કહીને તેઓએ સસ્પેન્સ જાળવી રાખ્યું હતું.
જો કે હવે સાહેબ (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) યુવા ચહેરા ઈચ્છે છે તેવું વધારાનું વાકય બોલ્યા હતા તેનાથી જે બે વખત મળીશું માં મંત્રીમંડળ વિસ્તરણ અને નવા પ્રદેશ પ્રમુખ એમ બે વખત કમલમમાં ઉપસ્થિત તમામનું આગમન થશે તેવું જણાવ્યું હોવાનું માનવામાં આવે છે.
શ્રી પાટીલે રમૂજમાં કાર્યકર્તા-નેતાઓને ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવા પણ જણાવીને સૌને અટકળો કરતા કરી દીધા છે. પક્ષના સૂત્રોએ અગાઉ જ કહ્યું હતું કે શ્રાદ્ધ શરૂ થાય તે પુર્વે અને મોટાભાગે આ માસના અંત સુધીમાં નવા પ્રદેશ પ્રમુખ મળી જશે.
ભાજપે હવે ફરી રાજયકક્ષાની સંગઠન નવરચના શરૂ કરી છે. બે દિવસ પુર્વે મુંબઈ ભાજપને જે એક પ્રદેશ કક્ષાનોજ હોદો છે તેમાં નિયુક્તી કરી છે. બે નાના રાજયો છતીસગઢ અને ગોવામાં કેબીનેટ વિસ્તરણને મંજુરી આપી છે અને માનવામાં આવે છે કે ગુજરાત-યુપીમાં પણ હવે તે મંજુરી મળશે.
બિહારની વિધાનસભા ચૂંટણીમાં હવે મહત્વનો તબકકો શરૂ થાય તે પુર્વે ભાજપ ગુજરાત યુપી સહિતના રાજયોની ચિંતામુકત કરશે અને તા.7 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ જે કમુરતા પણ ગણાય છે તેનો પ્રારંભ થાય તે પુર્વે રાષ્ટ્રીય કક્ષાએ પણ નિયુક્તિ કરી લેશે.