ગુજરાતમાં ભાજપના નવા સંગઠન-મંત્રીમંડળ વિસ્તરણ મુદે માર્ગદર્શન અપાયુ હોવાની ચર્ચા
Ahmedabad,તા.26
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેના અંતિમ કાર્યક્રમમાં રાજભવન ખાતેથી રવાના થતા પુર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે લગભગ 25 મીનીટ સુધી વાતચીત કરી હતી. શ્રી મોદી બે દિવસની ગુજરાત મુલાકાતમાં આજે અંતિમ દિવસે બહુચરાજી ખાતે મારુતી સુઝુકીના ઈ-વ્હીકલ પ્લાન્ટનું ઉદઘાટન કર્યા બાદ બપોરે દિલ્હી જવા રવાના થનાર છે.
શ્રી મોદીની ગુજરાત મુલાકાતથી રાજયમાં ફરી એક વખત રાજકીય ચર્ચા ગરમાઈ છે. આ વચ્ચે મોદી અને ગુજરાતના બે ટોચના નેતાઓ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વચ્ચેની આ બેઠક લાંબી ચાલી હતી.
તેમાં માનવામાં આવે છે કે વડાપ્રધાને ગુજરાતની પરીસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ખાસ કરીને પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ વિસ્તરણનો મુદો લાંબા સમયથી ચર્ચામાં છે અને તેમાં હવે નિર્ણાયક સમય આવી ગયો હોવાનું માનવામાં આવે છે તે વચ્ચે આ ત્રણેય મહાનુભાવોની મુલાકાત મહત્વપૂર્ણ બની રહી છે.
ગઈકાલે જ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મંત્રીમંડળ વિસ્તરણ અને નવા પ્રદેશ પ્રમુખ સહિતના સંગઠન મુદે સંકેત આપી દીધા હતા અને વડાપ્રધાનને પણ તે અંગે માર્ગદર્શન લેવાયુ હોય તેવું માનવામાં આવે છે.