Amreli,તા.26
અમરેલી નજીક વરૂડી ગામ તરફ જતાં રોડ ઉપર આવેલા જગુપુલ પાસે ગઇકાલ મોડી રાત્રે એક ગંભીર દુર્ઘટના બની હતી.જેમાં એક કાર જગુપુલ પાસેથી કાર પસાર થતી હતી ત્યારે સામેથી આવી રહેલા એક ટ્રક સાથે ટક્કર ન થાય તે માટે કાર ચાલકે કારને કાવો મારતાં કારના સ્ટેરીંગ ઉપર સંતુલન ગુમાવતાં કાર સીધી પાણી ભરેલ ચેકડેમમાં ખાબકી ગઈ હતી.
આવી પરિસ્થિતિ વચ્ચે કાર પાણીમાં ગરકાવ થવા લાગી હતી. ત્યારે કાર ચાલકે હિંમત બતાવી પોતાને પાણીમાં તરતા આવડતું હોવાથી તે તાત્કાલિક પાણીમાં કુદી પડી અને પોતાની જીવ બચાવ્યો હતો.
આ બનવાની જાણ આસપાસના લોકો થતાં લોકો બનાવ સ્થળે એકઠા થઈ જતાં તરત જ મદદરૂપ બનતાં કાર ચાલક સુરક્ષિત રીતે બહાર આવી શક્યા હતા. જો કે, કાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જવા પામેલ હતી. તાજેતરમાં ભારે વરસાદ વરસ્યો હોય જેના કારણે નદીઓ, તળાવો અને ચેકડેમોમાં પાણી છલકાઈ રહ્યું છે. ત્યારે અમરેલી નજીક આવેલ જગુપુલ પાસે આવેલા આ ચેકડેમમાં પણ પુરતા પ્રમાણમાં પાણી ભરાયેલું હોવાથી કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ. બાદમાં સ્થાનિક તંત્ર દ્વારા પાણીના પ્રવાહમાંથી કારને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ના હોય કાર ચાલક સુરક્ષિત બહાર આવી જવા પામેલ હોય પરંતુ કારના સંપૂર્ણ નુકસાન સાથે ચાલકને ભારે આર્થિક ખોટ સહન કરવી પડી છે.