Amreli,તા.26
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપરા ગામમાં એક અત્યંત કરુણ અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક ભાઈએ પોતાની જ સગી બહેનની હત્યા કરી છે. આ હત્યા પાછળનું કારણ આરોપીની દીકરી અને મૃતક મહિલાના પુત્ર વચ્ચેનો પ્રેમસંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક અને ચકચાર ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી અનુસાર મૃતક મહિલા ગીતાબેનનો પુત્ર અને આરોપી નરેશની દીકરી વચ્ચે પ્રેમસંબંધ હતો. આ સંબંધને કારણે બંને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલતું હતું. આ મનદુઃખ એટલી હદે વધી ગયું કે, આજે નરેશે ઉશ્કેરાઈને પોતાની જ સગી બહેન ગીતાબેનની હત્યા કરી નાખી હતી.
ઘટનાની જાણ થતાં જ બગસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક ગીતાબેનની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે બગસરાની હોસ્પિટલમાં ખસેડી છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી નરેશની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.