Rajkot તા.26
મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિ.માં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓના દુષણના કારણે રતનપર સહિતના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ હરકતમાં આવેલ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા અપાયેલ તપાસના આદેશથી એસઓજી, ક્રાઈમ બ્રાંચ, કુવાડવા રોડ પોલીસ અને એનસીબીની અલગ અલગ નવ ટીમોએ રતનપર, હટાળા, ગૌરીદળ, ઘંટેશ્વર, સહિતના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી.
10 કલાકથી વધુની મેરેથોન તપાસ બાદ પાંચ યુવતીઓ અને બે યુવક વિઝા પૂર્ણ થઈ ગયા હોવા છતા વસવાટ કરતા હોવાનું સામે આવતા તુરંત જ તેની અટકાયત કરી તેમને પરત પોતાના દેશમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી.
સમગ્ર તપાસ મામલે એસીપી ક્રાઈમ ભરત બસીયાએ જણાવ્યું હતું કે, મારવાડી કોલેજ નજીક આવેલ રતનપર, હટાળા, ગૌરીદળ સહિતના ગામોના લોકોએ ફરીયાદ કરેલ હતી કે મારવાડી યુનિ.માં અભ્યાસ કરતા ખાસ આફ્રિકન વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ન્યુસન્સ ફેલાવવામાં આવે છે.
ઉપરાંત અગાઉ પણ ગ્રામજનોએ પોલીસ કમિશ્નરને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો કે તે વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા આફ્રિકન વિદ્યાર્થીઓ દેહ વિક્રયનો ધંધો કરે છે તેમજ ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું ખરીદ વેચાણ પણ કરે છે જેથી ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકજનો શરમજનક સ્થિતિમાં મુકાય છે. તે વિદ્યાર્થીઓ ટુંકા વસ્ત્રો પહેરી ગામમાં આંટાફેરા મારતા હોવાથી મહિલાઓને ઘર બહાર નિકળવું પણ મુશ્કેલ બનતું હોય છે.
જે બાબતે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠલ એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજા સહિતની ટીમ તેમજ ક્રાઈમ બ્રાંચ, કુવાડવા રોડ પોલીસ અને એનસીબીની ટીમે ગઈકાલે સવારથી જ મોરબી રોડ પરના ગામોમાં દોડી જઈ તપાસનો ધમધમાટ આદર્યો હતો.
જે મામલે તમામના અંતે એસસીપી ક્રાઈમ બસીયાએ જણાવ્યું હતું કે કુલ 200થી વધુ આફ્રિકન વિદ્યાર્થીઓને તપાસ કરવામાં આવી હતી જેમાં વિઝા અને પાસપોર્ટની તપાસ કરતા પાંચ યુવતીઓ અને બે યુવક પાસે તેમના વિઝા છેલ્લા દોઢેક વર્ષથી પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં રીન્યુ કરાવેલ ન હતા. જેથી તે સાતેયની અટકાયત કરી તેમના પરત પોતાના દેશ મોકલવા તજવીજ હાથ ધરાઈ હતી.
પોલીસે રતનપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિઝા પૂર્ણ થઈ ગયેલ છતા પણ વસવાટ કરતી પાંચ જેટલી યુવતીઓને ડીટેઈન કરી હતી. પોલીસે કરેલ પૂછતાછમાં યુવતીએ અહી તેઓ મેકઅપ અને કપડાનો વ્યવસાય કરતી હોવાનો બચાવ કર્યો હતો. જોકે પોલીસની આકરી પૂછતાછમાં યુવતીઓ ગેરકાયદેસર ધંધા કરતી હોવાનું પ્રાથમીક સામે આવ્યું છે.