Lucknow, તા.૨૨
ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં અહીં આપેલી પંક્તિઓ સાચી સાબિત થઈ છે. ક્યારેય નિષ્ફળતાઓથી હાર માની તો ક્યારેક આશા પર પાણી ફરી વળ્યું, પણ મંજિલ સુધી પહોંચવાની જીદ એવી હતી કે, ૧૦ વર્ષ સુધી સંઘર્ષ ચાલુ રહ્યો અને જ્યારે મહેનત રંગ લાવી અને દીકરો ગ્રામ પંચાયત અધિકારી બની ગયો, તો પિતાની ખુશી ડબલ થઈ ગઈ.
આ કિસ્સો બસ્તીના હર્રેયા વિસ્તારના કેશવપુર ગામનો છે. અહીંના રહેવાસી અવનીશ પાંડેયે ગ્રામ પંચાયત અધિકારીના પદ પર સફળતા પ્રાપ્ત કરી છે. દીકરાના ૧૦ વર્ષની તપસ્યાનું જ્યારે ફળ મળ્યું તો પિતા મહેન્દ્ર કુમાર પાંડેયે એક અનોખો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે, દીકરાનું સ્વાગત ખાલી મીઠાઈ વહેંચીને નહીં થાય. પિતાએ રીતસરના હાથી સજાવ્યા. બેન્ડવાજા બોલાવ્યા અને પોતાના અધિકારી દીકરાને હાથી પર બેસાડીને આખા ગામમાં ફેરવ્યો. આ દરમિયાન ગામના લોકો પણ ખુશીથી ઝૂમવા લાગ્યા હતા.
હાથી પર સવાર થઈને નીકળેલા અવનીશ પાંડેનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગામડાઓમાં મોટા ભાગે વરરાજો હાથી પર બેસે છે, પણ કેશવપુરમાં આ વખતે નોકરી હાથી પર સવાર હતી.
પોતાની સફળતા પર ભાવુક થતા અવનીશે જણાવ્યું કે, ૧૦ વર્ષની આકરી મહેનત બાદ મને આ સફળતા મળી છે. હું ક્યારેય નિરાશ નથી થયો. પણ દરેક નિષ્ફળતા બાદ ડબલ ઊર્જા સાથે તૈયારીમાં લાગી ગયો. અવનીશની આ કહાની એ હજારો યુવાનો માટે એક મોટી પ્રેરણા છે, જે એક બે વાર નિષ્ફળ થયા બાદ આશા છોડી દેતા હોય છે.
ગ્રામ પંચાયત અધિકારી બન્યા બાદ અવનીશે ગામના શિક્ષણ માટે એક શાનદાર કામ કર્યું છે. તેમણે એલાન કર્યું છે કે, આગામી ત્રણ મહિના સુધી ગામના જેટલા પણ બાળકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, તેમની ફી અને પરીક્ષા આપવા માટે આવવા-જવાનો ખર્ચો ખુદ ઉઠાવશે. અવનીશનું કહેવું છે કે આર્થિક તંગીના કારણે ગામના કોઈ પણ બાળકને શિક્ષણ અથવા પરીક્ષા છૂટવી ન જોઈએ.

