ભગવતીપરા વિસ્તારમાં નોનવેજની લારી ધરાવતા આરોપીએ ત્રણેક વખત બાળકીને હવસનો શિકાર બનાવી
Rajkot, તા.૨૬
રાજકોટમાં ગઈકાલે એક યુવતીને લગ્નની લાલચ આપી વિધર્મીએ તેનું શારીરિક શોષણ કરી લગ્નનો ઈન્કાર કરી દીધાની ફરિયાદ માલવીયાનગર પોલીસમાં નોંધાયા બાદ આજે માત્ર ૧૩ વર્ષની બાળકી ઉપર વિધર્મીએ દુષ્કર્મ ગુજાર્યાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. જે અંગે બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં આરોપીને સકંજામાં લેવાયો છે. પોલીસે જણાવ્યું કે મોરબી રોડ પરના ગણેશનગરમાં રહેતો ખાલીદ ખાટકી ભગવતીપરા વિસ્તારમાં નોનવેજની લારી ધરાવે છે. જેને કારણે આસપાસના વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની બાળકી સાથે પરિચય થતાં તેને મોહજાળમાં ફસાવી હતી. ત્યાર પછી તેણે બાળકી ઉપર છેલ્લા છએક માસ દરમિયાન પોતાના ઘરે કોઈ ન હોય ત્યારે ત્રણેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. ગઈ તા. ૨૨ના રોજ રાત્રે બાળકી ઘરેથી નીકળી જતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ઘરેથી બાળકી આરોપીના ઘરે પહોંચી હતી. જયાં આરોપીએ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. બીજા દિવસે બપોરે બાળકી ઘરે પહોંચી ત્યારે પરિવારજનોએ પુછપરછ કરતાં હકિકતો જણાવી હતી. જેને કારણે પરિવારજનો ચોંકી ઉઠયા હતા. આખરે બાળકીની માતાએ બી-ડિવીઝન પોલીસ મથકમાં પોકસો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીને સકંજામાં લઈ તપાસ જારી રાખી છે. પોલીસે જણાવ્યું કે આરોપીની ઉંમર ૨૪ વર્ષ આસપાસ છે.