શહેરમાં દોઢ વર્ષ બાદ કોઈ શહેરના નાટકની સુંદર પ્રસ્તુતિ થતા નાટ્ય રસિકો જનતાએ મન ભરીને માણ્યું
Junagadh તા. ૨૬
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી શિવમ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ગેબી ગોરખની ધરતી એવા જુનાગઢના આંગણે દ્વિ-અંકી નાટક ભૂતઘર જુનાગઢની નાટ્ય રસિકો એ મન ભરીને માણ્યું હતું. અને કલાકારોને શબ્દો અને તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યું હતું. નોંધપાત્ર વાત એ રહી કે, જુનાગઢમાં અંદાજિત દોઢ વર્ષના લાંબા ગાળા પછી બહારના કોઈ શહેરના નાટકની પ્રસ્તુતિ થઈ હતી. જેના કારણે પ્રેક્ષકોનો અનેરો ઉત્સાહ અને પ્રેમ નાટકને સાંપડ્યો હતો.
વિજ્ઞાનમાં જેટલું તથ્ય છે એટલું જ સત્ય અગમ-નિગમ, ગોચર-અગોચર, આત્મા-પરમાત્મા જેવી બાબતોમાં છે. જો આત્મા છે તો પરમાત્મા પણ છે જ. શ્રદ્ધા હોવી એ સારી બાબત છે પણ એ જ્યારે અંધશ્રદ્ધા બને છે એવી પરિસ્થિતિઓમા એક સુખી સંપન્ન પરિવારને કઈ દિશામાં લઈ જાય છે એ કથાને નાટ્ય સ્વરૂપે હસન મલેકે સુંદર રીતે ગુંથી છે, આ નાટકનું રાજકોટના ગૌતમ દવે એ બારીકાઈથી દિગ્દર્શન કર્યું છે, હાર્ટ બીટ વધારી દેતા ઓફ બીટ હોરર કોમેડી દ્વિ-અંકી નાટક “ભૂતઘર” માં રાજકોટના જાજરમાન અભિનેતાઓ હાર્દિક મહેતા, પરી સોની, અમિત વાઘેલા, દેવયાની જગડ, જયેશ પડિયા, દર્પણ લાઠીગરા, ગૌતમ દવેએ ખૂબ સુંદર રીતે અભિનયના ઓજસ પાથર્યા હતા.
આ નાટકમાં પ્રકાશ રચના અને સંચાલન ચેતસ ઓઝા, પાર્શ્વ સંગીત સંકલન અને સંચાલન ગુલામહુસેન અગવાન, નેપથ્ય શુભમ ભટ્ટ, મેકઅપ હિમાંશુ પાડલીયા, સેટ ડિઝાઇન ચેતન ટાંક (ધ્યાનમ પ્રોડક્શન), ગ્રાફિક્સ ડિઝાઇન ગુલશન સ્ટુડિયો રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર નાટકના આયોજન કરવામાં સ્થાનિક આયોજક તરીકે અમિતભાઈ બુચ એ વિશેષ સહયોગ પૂરો પાડ્યો હતો.