અગાઉ થયેલા કેસનો ખાર રાખી છરી, ધોકા, પાઇપ વડે સામસામે હુમલો : ત્રણ ઘવાયા
સામસામે 14 શખ્સો વિરુદ્ધ હુમલો, રાયોટ સહીતની કલમો હેઠળ ગુનો
Rajkot,તા.27
શહેરના રૈયાધાર વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી સામસામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સામસામે બે જૂથોએ છરી, ધોકા, પાઇપ વડે હુમલો કરી પથ્થરમારો અને સોડા બોટલનો છુટ્ટો ઘા કરતા ધમાલ મચાવી હતી. સામસામે થયેલાક હુમલામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. જયારે બનાવને પગલે યુનિવર્સીટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સામસામે બંને પક્ષે હુમલો, રાયોટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી સગીર સહીત 14 શખ્સોને ઉઠાવી લીધા હતા.
રૈયાધારમાં મચ્છુનગર ક્વાર્ટર સામે રહેતો 23 વર્ષીય યુવાન રોહીત ઉર્ફે પિયુષ પરેશ ડાભીએ યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનીષ બીજલ ભોણીયા, લાલા બીજલ ભોણીયા, રાજેશ બીજલ ભોણીયા, પ્રતાપ બટુક ભોણીયા, વિપુલ મુકેશ દુધરેજીયા, અજય બટુક ભોણીયા, સંજય મનીષ ભોણીયા અને અલ્લાઉદીનનું નામ આપતાં જણાવ્યું હતું કે, હું મારા પિતા પરેશભાઈ પુનાભાઈ ડાભી, દાદી શાંતાબેન પુનાભાઇ ડાભી, બે ભાઈઓ જેમા ઋતીક (ઉ.વ.-૨૦) તથા યશ (ઉ.વ-૨૧) સાથે રહું છું. હું રીક્ષા ડ્રાયવિંગનું કામ કરું છું. મારી માતાએ અગિયાર વર્ષ પહેલા પોતે સળગીને આત્મહત્યા કરેલ હતી જે બાદથી મારા પિતા થોડા માનસિક અસ્વસ્થ થઈ ગયેલ હતા.
બાદ હું બપોરના ત્રણેક વાગ્યે રામાપીર ચોકડીથી નાસ્તો કરી રાણીમા રૂડીમા ચોકમા મારુ એકસેસ મોટર સાયકલ લઈ મારા મિત્રની રાહ જોતો હતો. દરમિયાન બપોરના સવા ત્રણેક વાગ્યે બે રીક્ષામા મનીષ બીજલ ભોણીયા, તેનો ભાઇ લાલા બીજલ ભોણીયા, તેનો બિજો ભાઈ રાજેશ બીજલ ભોણીયા મારી પાસે આવીને કહેલ કે, તારા પિતા મારા ઘર પાસે ફરી પાછા ગાળો બોલી ગયેલ હોય તમારે ડખ્ખો જ કરવો હોય તો થઈ જાય તેમ કહી મને ગાળો દીધેલ હતી. બાદ તેની સાથે રીક્ષામા આવેલ પ્રતાપ બટુક ભોણીયા, વિપુલ મુકેશ દુધરેજીયા, અજયભાઈ બટુક ભોણીયા, સંજય મનીષ ભોણીયા તથા તેનો મીત્ર અલ્લાઉદીન એમ તમામ મનીષ સાથે આવેલ હતા અને મને કહેલ કે, તમારે લપ કરવી જ છે ? તેમ કહી તેના પેન્ટના નેફામાથી છરી કાઢી મને જમણા પગના સાથળના પાછળના ભાગે મારવા જતા હુ ખસી જતા મને ઘસરકો પડેલ હતો. બાદ મે મનીષને કહેલ કે, મારો વાંક નથી તેમ કહેલ હતું. તેમ છતાં સામાવાળા મને તથા મારા પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપવા લાગતા હું મારૂ એકસેસ ત્યા ચોકમા મુકી અટલ સરોવર રોડ બાજુ મારા પગમા સળીયા હોવા છતા દોડીને જતો રહેલ હતો. દરમ્યાન રૈયાધારના પાણીના ટાકા પાસે મારો ભાઈ રૂત્વીક, પિતા તથા મીત્રો દોડી આવ્યા હતા.
દરમિયાન સામાવાળાએ તેમની રીક્ષામાથી ધારીયા તથા છરી લઈ બીજા હાથથી અમારી ઉપર પથ્થરો તેમજ કાચની બોટલોના છુટા ઘા કરવા લાગતા ત્યા હાજર રહેલ મારો મીત્ર અરમાન ઉર્ફે અનુ ચમનભાઈ સોઢાને ડાબા પગે ગોઠણના ભાગે એક છુટો ઘા વાગી જતા મુંઢ ઈજા થયેલ હતી. જાહેરમાં પથ્થરમારો થતા કોઈકે પોલીસને તેમજ ૧૦૮ ને ફોન કરી દેતા પોલીસ અને એમ્બયુલન્સ બંને દોડી આવી હતી. બાદ મને અને અરમાન ઉર્ફે અનુને સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લઇ જવાયો હતો.
જ્યારે સામા પક્ષે રૈયાધાર ઇન્દિરાનગર મફતીયાપરા ચાર માળિયા આવાસ યોજના ક્વાર્ટરની બાજુમાં રહેતા મનીષ બીજલ ભોણીયાએ નોંધાવેલી ફરિયાદમાં રોહિત ઉર્ફે પિયુષ પરેશ ડાભી, ભવદીપ ઉર્ફે હાંડો પરેશ ડાભી, ઋત્વિક પરેશ ડાભી, પરેશ પુનાભાઈ ડાભી, લાલજી નગીન ચૌહાણ અને એક સગીરનું નામ આપતા જણાવ્યું હતું કે, રોહિત ઉર્ફે પિયુષના પિતા પરેશ પુના ડાભી સાથે મારા સાળા પંકજ વિનુ સોલંકીને વર્ષ 2021 માં કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જેથી તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરેલ હતી અને હાલ તેનો કોર્ટ કેસ ચાલુ છે. જે બાબતનો ખાર રાખી સામાવાળા તમામ શખ્સોએ પોતાની સાથે પ્રાણઘાતક હથિયારો જેવા કે છરી, લાકડાના ધોકા, લોખંડના પાઇપ લઈ ગેરકાયદે મંડળી રચી મારા બંને ભાઈ લાલા બીજલ ભોણીયા અને રાજેશ બીજલ ભોણીયાને અગાઉના પોલીસ કેસ બાબતે હજુ તો એક વખત તારા આંગળા કાપ્યા છે, બીજી વખત તને અને તારા પરિવારજનોને જીવવા નહીં દઈએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી છરી વડે જમણા હાથની બીજી આંગળીમાં ઘસરકો પાડી ગાળો આપી છૂટી સોડા બોટલ તથા પથ્થરના છુટાઘાર કરી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી.