મૃતક મહેશ બે ભાઈ અને બે બહેનોમાં સૌથી નાનો હતો. તેના મોટા ભાઈ સાથે કારખાને અવારનવાર જતો હોવાથી તે ત્યાં પરિચિત હતો
Rajkot, તા.૨૭
રાજકોટના સોરઠીયાવાડી વિસ્તારમાં આવેલા એક કારખાનામાં ગત તારીખ ૨૩ના રોજ એક કરુણ ઘટના બની હતી. અહીં માલવાહક લિફ્ટમાં માથું આવી જતાં એક ૧૮ વર્ષના યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.મળતી માહિતી મુજબ, મૃતકનું નામ મહેશ બાબુભાઈ સોલંકી છે અને તે સોરઠીયાવાડી પાસે ઝૂંપડામાં રહેતો હતો. મહેશ સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલા ‘આકાશ વોચ ટાઇમ’ નામના કારખાનામાં તેના ભાઈને મળવા ગયો હતો, જે ત્યાં કામ કરતો હતો. આ દરમિયાન, તે પુઠાનો સામાન લેવા માટે માલવાહક લિફ્ટમાં ગયો. ત્રીજા માળે પહોંચતા અચાનક લિફ્ટ બંધ થઈ ગઈ. મહેશે શું થયું તે જોવા માટે માથું બહાર કાઢ્યું, તે જ વખતે લિફ્ટ અચાનક ફરી શરૂ થઈ ગઈ અને તેનું માથું લિફ્ટમાં દબાઈ ગયું હતુ.મહેશની ચીસો સાંભળીને કારખાનાના અન્ય મજૂરો દોડી આવ્યા અને તેને બહાર કાઢ્યો. માથા અને ગળાના ભાગે ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક ગોકુલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ, વધુ સારવાર માટે તેને વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ગઈકાલે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં એ.એસ.આઈ. હરસુરભાઈ ડાંગરે હોસ્પિટલ પહોંચીને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મહેશ બે ભાઈ અને બે બહેનોમાં સૌથી નાનો હતો. તેના મોટા ભાઈ સાથે કારખાને અવારનવાર જતો હોવાથી તે ત્યાં પરિચિત હતો. યુવાનના આ આકસ્મિક મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.