New Delhi,તા.28
ભારત ઉપર 50 ટકા ટેરીફ લાદયા બાદ ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો તંગ બન્યા છે ત્યારે જર્મન અને જાપાની મીડિયા રિપોટર્સમાં એવો સનસનીખેજ દાવો કર્યો હતો કે ટ્રમ્પે પીએમ મોદીને ચાર-ચાર કોલ કર્યા હતા પણ મોદીએ એકવાર પણ ઉપાડીને જવાબ નહોતો આપ્યો.
આ મામલે હવે ભારતીય રાજદ્વારીએ ખુલાસો કર્યો છે કે મોદી સંવેદનશીલ મુદ્દા પર ફોન પર વાત નથી કરતા જયારે અમેરિકાએ ટ્રમ્પના મોદી પર કોલ્સ પર પુષ્ટિનો ઈનકાર કર્યો હતો.
જર્મન અખબાર ફ્રેન્કફર્ટ અલ્ગેમાઈનના રિપોર્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા-ભારત વચ્ચેના સંબંધોમાં હલચલ મચાવી દીધી છે. રિપોર્ટ મુજબ ભારતના વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના ચાર-ચાર ફોન કોલનો જવાબ નહોતો આપ્યો.
આ રિપોર્ટ એવા સમયે બહાર આવ્યો છે જયારે ટેરિફ મામલે ભારત અને અમેરિકા વચ્ચે વિવાદ ગાઢ બન્યો છે. જાપાની મીડિય નિકકેઈ એશિયાએ પણ આ જ દાવો કર્યો હતો કે ટ્રમ્પ સતત ફોન કોલ્સ છતા મોદીએ જવાન ન આપતા ખૂબ જ નારાજ હતા.
આ સમાચારો વચ્ચે એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારીએ સ્પષ્ટ કર્યુ છે કે મોદી ફોન પર સંવેદનશીલ મુદ્દા પર વાત નથી કરતા. અધિકારીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની એ કાર્યશૈલી નથી કે તે આંતર રાષ્ટ્રીય સ્તરના જટિલ મામલા પર ફોન પર સમજૂતી કરે.
સૂત્રોએ એમ પણ જોડયું કે મોદીએ ટ્રમ્પની કોલ્સનો જવાબ ન દઈને એ આશંકાથી બચવાની કોશિશ કરી કે કયાંક ટ્રમ્પ વાતચીતને ખોટી રીતે રજૂ ન કરી દે. બીજી બાજુ ઉપરોકત અહેવાલો પર અમેરિકી અધિકારીઓએ પુષ્ટિ કરવાનો ઈનકાર કર્યો હતો કે વાસ્તવમાં ટ્રમ્પે કોલ કર્યા હતા કે નહીં.