New Delhi,તા.28
શિક્ષણ ક્ષેત્રમાં વધતા ખાનગીકરણ તથા સરકારી શિક્ષણમાં અવદશા વચ્ચે ભારતમાં દર 3 માંથી 1 વિદ્યાર્થી સ્કુલ જવા ઉપરાંત ખાનગી ટયુશન લેતો હોવાનું જાહેર થયું છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આ ટે્રન્ડ વધુ છે.
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા કોમ્પ્રિહેન્સીવ મોડયુલર સર્વે રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.એવા પણ તારણ નિકળ્યા છે કે ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે શિક્ષણ સરકારી શાળા પર જ કેન્દ્રીત છે. જયારે શહેરી વિસ્તારોમાં ખાનગી સ્કુલ તથા ખાનગી ટયુશનનો ટ્રેન્ડ છે.
કેન્દ્ર સરકારનાં સ્ટેટેસ્ટીક તથા યોજના અમલીકરણ મંત્રાલય દ્વારા કરાવાયેલા આ રાષ્ટ્રવ્યાપી સર્વેમાં દેશભરમાંથી 52000 થી વધુ પરિવારો તથા 58000 થી વધુ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. શિક્ષણ પાછળ થતા ખર્ચની બાબત પણ ચકાસવામાં આવી હતી.
રાષ્ટ્રીય સ્તરે સરકારી સ્કુલોની જ બોલબાલા હોય તેમ 55.90 ટકા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં જ નોંધાયેલા છે. મોટાભાગે ગામડાના આ વિદ્યાર્થી હોય છે. શહેરી વિસ્તારોમાં માત્ર 30.1 ટકા વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં ભણવા જાય છે. બાકીના અંદાજીત 70 ટકા ખાનગી શાળાઓમાં જ અભ્યાસ કરે છે.
દેશ લેવલે ત્રીજા ભાગનાં વિદ્યાર્થીઓ ખાનગી સ્કુલોમાં અભ્યાસ કરતાં હોવા છતાં શહેરી ક્ષેત્રોમાં પ્રમાણ ઘણુ વધુ છે. શહેરોમાં પરિવારોની આવક તથા ઉંચી કેરિયરનાં સપનાથી આ ટ્રેન્ડ છે.
ખાનગી શિક્ષણ મેળવવા પાછળનો આર્થિક બોજ મોટો છે. સરકારી સ્કુલમાં અભ્યાસ કરતાં બાળક પાછળ વિદ્યાર્થીને સરેરાશ વાર્ષિક રૂા.2863 નો ખર્ચ થાય છ. જયારે બિન સરકારી-ખાનગી સ્કુલમાં ભણાવવા પાછળ સરેરાશ રૂા.2500 નો ખર્ચ કરવો પડે છે. સરકારી સ્કુલોમાં માત્ર ચોથાભાગના વિદ્યાર્થીને ‘કોર્ષ ફી’ચુકવવી પડતી હોય છે. ખાનગી સ્કુલોમાં 98 ટકા વિદ્યાર્થીઓને આ ફી ભરવી પડે છે.
ગામડા તથા શહેરી ક્ષેત્રનાં અભ્યાસ ખર્ચમાં પણ મોટો તફાવત છે કોર્ષ ફી, યુનિફોર્મ, ચોપડા વગેરે પાછળ ગ્રામ્ય ક્ષેત્રમાં 3979 ના ખર્ચ સામે શહેરોમાં 15143 નો ખર્ચ થાય છે.
આ સિવાય ખાનગી સ્કુલોમાં ભણતા વિદ્યાર્થીઓ પર વધારાના ટયુશનનો પણ બોજ પડે છે. ચાલુ વર્ષમાં 27 ટકા વિદ્યાર્થીઓ ખાનગી ટયુશન લેતા હોવાનું તારણ નિકળ્યુ હતું. શહેરી વિસ્તારમાં તે 30.7 ટકા તથા ગામડાઓમાં 25.5 ટકાનું પ્રમાણ છે.
ખાનગી ટયુશનનો સરેરાશ ખર્ચ શહેરોમાં 3988 છે. જયારે ગામોમાં 1793 છે. માધ્યમિક સ્તરે વિદ્યાર્થીઓનો ટયુશન ખર્ચ વાર્ષિક રૂા.9950 થવા જાય છે જે ગામડામાં 4548 રહે છે. કેન્દ્ર સરકારનાં સીનીયર અધિકારીએ જોકે એવી લાલબતી ધરી હતી કે 2017-18 ના શિક્ષણ સર્વે સાથે વર્તમાન સર્વેની સરખામણી શકય નથી. સાત વર્ષ પુર્વે આંગણવાડીનો પ્રિ-પ્રાયમરી શિક્ષણમાં સમાવેશ ન હતો ખાનગી ટયુશનનાં ખર્ચને પણ શિક્ષણ ખર્ચમાં આવરી લેવાયા હતા.