New Delhi તા.28
અમેરિકામાં ભારતીય ઉત્પાદનો પર બુધવારથી 50 ટકા ટેરીફ લાગુ થઈ ગયો છે અને આ ટેરિફનાં વારનો સામનો કરવા માટે ભારતે કમર કસી લીધી છે.એવુ બહાર આવ્યું છે કે ભારતે વ્યાપારીક ભાગીદારીવાળા 40 દેશોની ઓળખ કરી છે જેમની સાથે વેપાર વધારી શકાય છે.
ભારત પર ટેરિફને લઈને અમેરિકામાં પણ ચિંતા વધવા લાગી છે. બેન્ક ઓફ અમેરિકાએ વધતી મોંઘવારી રોજગારનાં મોરચા પર ચેતવણી આપી છે. અમેરિકી ટેરિફની અસર ઘટાડવાનાં વિકલ્પો પર બુધવારે વાણિજય મંત્રાલયમાં બેઠક મળી હતી.
જેમાં ઉચ્ચ દરજજાનાં અધિકારીઓ સહિત નિકાસ સંવર્ધન પરિષદોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠકમાં ચર્ચા થઈ હતી કે કેવી રીતે ભારત ટેરિફથી થનારા નુકશાનની ભરપાઈ કરી શકશે. આ દરમ્યાન પ્રતિનિધિઓએ સૂચન કર્યું કે ભારતને તેના બજારોની ખોજ કરવી પડશે અને ત્યાં સુધી આપણા ઉત્પાદનોની સુલચી પહોંચ નિશ્ચિત કરવી પડશે.
વસ્ત્રની નિકાસ વધારવા માટે 40 દેશોમાં સંપર્ક કાર્યક્રમ ચલાવવાની યોજના બનાવવામાં આવી છે. આ 40 દેશ 590 અબજ ડોલરના વૈશ્ર્વિક વસ્ત્ર તેમજ પરિધાન આયાત કરે છે. તેમાં ભારતની ભાગીદારી માત્ર 5-6 ટકા છે. આ સ્થિતિમાં આ દેશોમાં નિકાસ વધારવાની સંભાવના શોધવામાં આવી શકે છે.