New Delhi,તા.28
કેન્દ્ર સરકારે અમેરિકી ટેરિફનો સામનો કરવા માટે કમર કસી લીધી છે. સુત્રોના જણાવ્યા મુજબ સરકારનું સૌથી વધુ ધ્યાન શ્રમ આધારિત ઉદ્યોગો પર છે. જેમાં વસ્ત્ર હસ્તશિલ્પ, જેમ્સ જવેલરી જેવા ક્ષેત્રો સામેલ છે. કારણ કે વધેલા ટેરિફથી આ ઉદ્યોગોનાં કારોબારને વધુ અસર થઈ શકે છે.
પડકારોનો સામનો કરવા સરકારે યોજનાઓ જાહેર કરી છે. જે મુજબ કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત નિકાસકારો માટે 3,25,000 કરોડની સહાયતા લાવવાની તૈયારી કરી રહી છે. સુરત, તિરૂપુર, ભદોહે જેવા વસ્ત્ર ઉત્પાદન કલસ્ટરોને આંતર રાષ્ટ્રીય અવસરો સાથે જોડવામાં આવશે. બ્રાન્ડ ઈન્ડિયા અભિયાન ચલાવાશે. જે અંતર્ગત આંતર રાષ્ટ્રીય પ્રદર્શનો, વેપાર મેળાઓમાં ભાગીદારી નિશ્ચિત કરવામાં આવશે.
આરબીઆઈના અધિકારીઓ વિભિન્ન ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. ક્ષેત્રનાં નિષ્ણાંતોની મદદ આપવામાં આવશે. એસોચેમના અધ્યક્ષ સંજય નાયરે જણાવ્યું હતું કે મજબુત સરકારી સમર્થન સાથે આ વિઘ્ન ભારતની વ્યાપારીક મહત્વાકાંક્ષાઓને નબળી નહિં પાડે.ફિકકીનાં અધ્યક્ષ હર્ષવર્ધન અગ્રવાલે કહ્યું હતું કે ભારત પાસે મજબુત અને વ્યાપક આર્થિક પાયાનું માળખુ છે.જે 40 દેશોમાં વેપાર વધારવાની તક છે. તેમાં યુકે, જાપાન, દક્ષિણ કોરીયા, જર્મની, ફ્રાન્સ, ઈટલી, સ્પેન, નેધરલેન્ડ,પોલેન્ડ, કેનેડા, મેકિસકો, રશીયા, બેલ્જીયમ, સંયુકત આરબ અમીરાત, ઓસ્ટ્રેલીયા વગેરે સાથે ભારત નિકાસ વધારી શકે છે.