Rajkot તા.28
પારેવડી ચોક પાસે બાઈક સવાર મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચિલઝડપ કરનાર બેલડીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડી રૂ।.1.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બનાવ અંગે થોડા દિવસ પહેલાં એક મહિલા તેના પતિ તેમજ બાળકી સાથે પટેલ ચોકથી પારેવડી ચોક તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલ બાઈકમાં સવાર બેલડીએ મહિલાના ગળામાં ઝોંટ મારી સોનાનો ચેન સેરવી લીધો લઈ નાસી છૂટ્યા હતા,જે દરમિયાન મહિલા પણ બાઇક પરથી નીચે પણ પટકાતા તેને ઈજા પણ થઈ હતી. જે મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો
જે અંગે છેલ્લા એકાદ મહીનાથી શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન જેમાં રાજકોટ બી.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ચીલઝડપના બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા,એસીપી (ક્રાઇમ) ભરત બસીયા દ્વારા આ ચીલઝડપના ગુન્હાઓ તાત્કાલીક ડીટેકટ કરી આરોપીઓને પકડવાની આપેલ સુચનાથી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન.પરમાર અને એસ.વી.ચુડાસમા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં.
ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, કિશન પાંભર અને કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે ચિલઝડપના ગુનામાં સંડોવાયેલ વિશાલ કીશન સોલંકી (ઉ.વ.30 રહે. ચુનારાવાડ શેરી નં01) અને ચીના હરી જાડેજા (ઉ.વ. 55, રહે. ઝુપડપટ્ટી, બાવાજીના સ્મશાન પાસે, થોરાળા મેઈન રોડ) ને પકડી પાડી સોનાનો ચેઇન, એક્ટિવા અને મોબાઈલ મળી કુલ રૂ।.1.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી વિશાલ વિરુદ્ધ રાજકોટ અને અમરેલીના અલગ અલગ પોલીસ મથકમાં છ થી વધું ગુના નોંધાયેલ છે.