New Delhi,તા.28
સરકારી લેણા-ટેકસ વસુલવા માટે નાના-સામાન્ય લોકો પર દંડા પછાડીને પઠાણી ઉઘરાણી કરતા વિભાગો મોટા બાકીદારોનુ કાંઈ કરી શકતા ન હોય તેમ ભારતમાં 2022-23ની સ્થિતિએ 22 લાખ કરોડની ઈન્કમટેકસ વસુલાત બાકી હોવાનો ‘કેગ’ના રિપોર્ટમાં ખુલાસો થયો છે.
ભારતમાં વર્ષે 16.63 લાખ કરોડની વસુલાત થાય છે તેની સરખામણીએ બાકી ટેકસ વસુલાત 33 ટકા વધુ છે. સંસદના તાજેતરમાં પુરા થયેલા સત્રમાં ‘કેગ’નો રીપોર્ટ રજુ થયો હતો તેમાં આ ખુલાસો થયો છે તમાં એમ પણ કહેવાયુ છે કે બાકી રકમમાંથી 97 ટકા નાણાં વસુલવા મુશ્કેલ છે.
આવકવેરા વિભાગને ટાંકીને રિપોર્ટમાં એમ કહેવાયુ છે કે, જે કરદાતાઓ પાસેથી ટેકસ વસુલાત બાકી છે. તેમાંથી 97 ટકાની રિકવરી મુશ્કેલ છે. કારણ કે ઘણા મળતા નથી- લાપતા છે અથવા વસુલાત થઈ શકે તેની મિલ્કતો ધરાવતા નથી.
મળતા ન હોય અથવા સંપતિ ધરાવતા ન હોય તેવા બાકી કરદાતાઓની ટકાવારી 45 ટકા છે. અન્ય કેસોમાં કાનૂની વિવાદ, પેન્ડીંગ અપીલો કારણરૂપ છે. સંસદના સત્ર દરમ્યાન ગત 5 મી ઓગસ્ટે ઉઠેલા પ્રશ્નના જવાબમાં નાણાં રાજયમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે જૂન 2025ની સ્થિતિએ 47.52 લાખ કરોડની ઈન્કમટેકસ વસુલાત બાકી છે. આડકતરા કરવેરાની બાકી વસુલાતનો આંકડો સાત લાખ કરોડનો હતો.
આવકવેરા વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ડિમાંડ અને કલેકશન રિપોર્ટમાં એમ કહેવાયુ હતું કે, બાકી ટેકસની રિકવરી શકય ન બનવા પાછળ અનેક કારણો છે તેમાં કરદાતા પાસે કોઈ સંપતિ ન હોવા અથવા સંપતિની લીકવીડેશન પ્રક્રિયા, કરદાતાની ભાળ ન મળવા, ડિમાંડ વસુલાત પર અદાલત કે ટ્રીબ્યુનલના સ્ટે, ટીડીએસ-એડવાન્સ ટેકસ મિસમેચ થવા, ડુપ્લીકેટ એન્ટ્રી વગેરેનો સમાવેશ થાય છે.
કેગના રિપોર્ટ મુજબ 2021-22ના નાણાંકીય વર્ષના અંતે 19,35,438 કરોડની વસુલાત બાકી હતી જે 2022-23ના અંતે 17.5 ટકા વધીને 22,05,046 કરોડે પહોંચી હતી. જો કે, રિકવરી મુશ્કેલ હોવાનું દર્શાવાતી વસુલાત 97.35 ટકાથી ઘટીને 97 ટકા થઈ હતી.
સંસદના સત્ર દરમ્યાન એક સવાલના જવાબમાં નાણાં રાજયમંત્રીએ એમ કહ્યું હતું કે જૂન 2025ની સ્થિતિએ 4752089 કરોડની બાકી વસુલાતમાંથી 3125708 કરોડ કાનૂની વિવાદોને કારણે વસુલ થઈ શકતા નથી. આડકતરા કરવેરાની 701583 કરોડની બાકી વસુલાતમાંથી 371318 કરોડ કાનૂની વિવાદોમાં અટવાયા છે.