Japan,તા.28
આજના સમયમાં સ્માર્ટફોન જીવનનું અભિન્ન અંગ બની ગયુ છે. આજના સમયમાં નાના બાળકોથી માંડી વરિષ્ઠોને મોબાઈલનું વ્યસન થઈ ગયુ છે. સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ બાળકો અને પુખ્ત વયના લોકો બંને માટે માનસિક અને શારીરિક બીમારીનું કારણ બની શકે છે. આ પડકારોને ધ્યાનમાં રાખતાં જાપાનના એક શહેરમાં સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.જો આ બિલ પસાર થાય, તો તે જાપાનની પ્રથમ શહેરવ્યાપી માર્ગદર્શિકા હશે જે ફક્ત બાળકો માટે જ નહીં, પરંતુ તમામ રહેવાસીઓ પર લાગુ થશે. આ એવા સમયે આવ્યું છે જ્યારે વિશ્વભરની સરકાર ડિજિટલ વ્યસન અને જાહેર આરોગ્ય પર તેની અસર અંગે ચિંતા વ્યક્ત કરી રહી છે. ગત નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સોશિયલ મીડિયાની ઍક્સેસ પર પ્રતિબંધ મૂકતો વિશ્વનો પ્રથમ કાયદો પસાર કર્યો હતો. ડેનમાર્ક પણ શાળાઓ અને શાળા પછીના ક્લબોમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવાની યોજના ધરાવે છે, જ્યારે દક્ષિણ કોરિયાએ માર્ચ 2026 થી દેશભરમાં શાળામાં મોબાઇલ ફોન અને ડિજિટલ ડિવાઈસ લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આઈચી શહેરની એક નગરપાલિકા, ટોયોકેએ તેની સ્થાનિક સભામાં આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જે અનુસાર, પરિવાર એકબીજા સાથે વાત કરે તે હેતુ સાથે બાળકો અને પુખ્ત વયના લોકો ઇલેક્ટ્રોનિક ડિવાઈસિસ પર કેટલો સમય વિતાવશે. તેનું સૂચન કરવામાં આવશે. તેમજ પ્રાથમિક શાળાના બાળકોએ રાત્રે 9 વાગ્યા સુધી અને પુખ્ત વયના લોકો અને શાળાના વિદ્યાર્થીઓએ રાત્રે 10 વાગ્યા સુધી જ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી શકશે.
મેયર માસાફુમી કોકીએ કહ્યું કે આ નિયમનો ઉદ્દેશ અધિકારો પર પ્રતિબંધ કે સજા લાદવાનો નથી પરંતુ આરોગ્ય-શિક્ષણ અને પારિવારિક સંબંધો પર સ્ક્રીન ટાઈમની અસરો ઘટાડવાનો છે. મૈનીચી અખબાર અનુસાર, મને આશા છે કે આ નિયમ દરેક પરિવાર અનુસરશે. જેમાં દિવસના કયા સમયે ડિવાઈસિસનો ઉપયોગ કરવો તે અંગે વિચાર અને ચર્ચા કરી શકશે. આ પ્રસ્તાવમાં લોકોને દિવસમાં વધુમાં વધુ બે કલાક ફોનનો ઉપયોગ કરવા સલાહ છે. આરોગ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે સ્માર્ટફોનના કારણે બાળકોની ઊંઘ પર અસર થાય છે. મિત્રો અને પરિવાર સાથે ઓછો સમય વિતાવે છે. ઘણા બાળકો શાળાએ જતા નથી અને ઘરે સ્માર્ટફોનમાં વ્યસ્ત રહેતા હોવાના પણ અહેવાલ છે.
આ પ્રસ્તાવથી લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. 21 થી 25 ઓગસ્ટ દરમિયાન, શહેરમાં 120થી વધુ કોલ અને ઇમેઇલ મળ્યા હતા, જેમાંથી લગભગ દર પાંચમાંથી ચાર લોકોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. કેટલાક લોકોએ પ્રશ્ન કર્યો હતો કે શું અધિકારીઓને વ્યક્તિગત નિર્ણયોમાં દખલ કરવાનો અધિકાર છે, જ્યારે અન્ય લોકોએ પૂછ્યું હતું કે શું વટહુકમ લાવવો જરૂરી છે. જોકે, સમર્થકોએ આ પગલાને આવકાર્યો છે, તેમણે કહ્યું છે કે, અમને આશા છે કે તેનાથી સ્માર્ટફોનનું વ્યસન ઘટશે.