Ahmedabad,તા.29
અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણકારો માટે વધુ એક ખુશખબર આવી છે. ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે અગ્રેસર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) નું CareEdge રેટિંગ અપગ્રેડ થયું છે. AGELનું રેટિંગ ‘AA-’ થી પ્રભાવશાળી ‘AA/સ્થિર’ તરફ આગળ વધ્યું છે. કંપનીની શ્રેષ્ઠ અમલીકરણ કુશળતા, મજબૂત નાણાકીય પ્રબંધન અને હરિયાળા ભવિષ્ય માટે બોલ્ડ વિઝનના કારણે તે શક્ય બન્યું છે. ટકાઉ ઊર્જા ક્ષેત્રમાં તે AGEL ની મજબૂત સ્થિતિને દર્શાવે છે.
30 જૂન સુધીમાં AGEL નો ઓપરેશનલ પોર્ટફોલિયો 15.8 GWAC પર પહોંચ્યો હતો, જેમાં 70% સોલાર, 13% વીન્ડ અને 17% હાઇબ્રિડ એસેટનો સમાવેશ થાય છે. મહત્વાકાંક્ષી યોજનાઓને વાસ્તવિકતામાં ફેરવવાની કંપનીની ક્ષમતા ગુજરાતના ખાવડામાં ઉડીને આંખે વળગે છે. AGEL નું લક્ષ્ય ખાવડામાં 30 GWAC સુધીની ક્ષમતા વધારવાનું છે, જે નવીનીકરણીય ઊર્જામાં વૈશ્વિક અગ્રણી તરીકેની તેની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.
CareEdge Ratings એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, “આ અપગ્રેડ એ AGEL ની શ્રેષ્ઠતાના અવિરત પ્રયાસનો પુરાવો છે,” એજન્સીએ કંપનીની કાર્યકારી ક્ષમતાની પ્રશંસા કરતા પ્લાન્ટ અને ગ્રીડ ઉપલબ્ધતા, અંદાજ કરતાં સતત વધુ ઉત્પાદન અને મજબૂત રોકડ પ્રવાહનો ઉલ્લેખ કર્યો છે. આ પરિબળોએ AGEL ની નાણાકીય સ્થિરતાને વધુ નક્કર બનાવી તેની લીક્વીડીટીના મજબૂત કવરેજ સૂચકાંકો સુનિશ્ચિત કર્યા છે.
AGEL ની સફળતાનો મુખ્ય આધારસ્તંભ તેની લાંબા ગાળાની આવક નિશ્ચિતતા છે, જેમાં તેના 83% કાર્યકારી પોર્ટફોલિયોને કેન્દ્ર અને રાજ્ય પ્રતિપક્ષો સાથે 25-વર્ષના પાવર ખરીદી કરારો (PPA) દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
નાણાકીય વર્ષ 25-26 ના પહેલા ક્વાર્ટરમાં અદાણી પરિવાર તરફથી રૂ. 9,350 કરોડના રોકાણને કારણે કંપનીના મૂડી માળખામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. તેનો ઉપયોગ હોલ્ડિંગ કંપનીના દેવાના પ્રીપેમેન્ટ, રિલેટેડ-પાર્ટી લોન ઘટાડવા અને વૃદ્ધિ પહેલોને ભંડોળ પૂરું પાડવા વ્યૂહાત્મક રીતે કરવામાં આવ્યો હતો, જે AGEL ના પાયાને વધુ મજબૂત બનાવે છે.
CareEdge રેટિંગ્સે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા ફાઇલ કરાયેલી કાનૂની કાર્યવાહી સહિત પડકારોને સ્વીકાર્યા હોવા છતાં આશાવાદી છે. AGEL જેમ જેમ આગળ વધશે તેમતેમ ટકાઉ ઊર્જાનું ભવિષ્ય હરિયાળુ બનશે.