Washington, તા.29
ટેરિફ વોર વચ્ચે ભારતને ધમકી આપનારા અમેરિકન સાંસદ લિન્ડસે ગ્રેહામે ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. આ વખતે તેમણે કહ્યું છે કે ભારત રશિયન ઓઈલ ખરીદવાને કારણે ભોગવી રહ્યું છે અને અન્ય દેશોની પણ આવી હાલત ટૂંક સમયમાં થશે. ખાસ વાત એ છે કે આ વખતે તેમણે ચીનનો પણ ઉલ્લેખ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સામે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી 25 ટકા વધારાની ડ્યુટી પણ અમલમાં આવી ગઈ છે. રશિયા પાસેથી ઓઈલની ખરીદીમાં ચીન, ભારત અને બ્રાઝીલ સૌથી આગળ છે એટલા માટે તેમણે આ ત્રણેય દેશોને ઘેર્યા છે.
ગ્રેહામે લખ્યું, `ભારત, ચીન, બ્રાઝિલ અને અન્ય દેશો જે સસ્તું રશિયન ઓઈલ ખરીદીને પુતિનના યુદ્ધ મશીનને મદદ કરી રહ્યા છે. તમારી ખરીદીને કારણે બાળકો સહિત નિર્દોષ નાગરિકો માર્યા જઈ રહ્યા છે તે અંગે તમને અત્યારે કેવું લાગે છે? ભારત પુતિનને ટેકો આપવા બદલ કિંમત ચૂકવી રહ્યું છે. બાકીના દેશો, તમે પણ ટૂંક સમયમાં આ રીતે ભોગવવા તૈયાર રહેજો.’
અગાઉ જુલાઈમાં ગ્રેહામે કહ્યું હતું કે, `હું ચીન, ભારત અને બ્રાઝિલને કહેવા માંગુ છું કે જો તમે રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચાલુ રાખવા માટે સસ્તું રશિયન ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશો, તો અમે તમારી સ્થિતિ વધુ ખરાબ કરીશું અને અમે તમારી અર્થવ્યવસ્થાનો નાશ કરીશું, કારણ કે તમે જે કરી રહ્યા છો તે લોહીના પૈસા છે.’ તેમણે કહ્યું, `તમે વિશ્વના ભોગે સસ્તું તેલ ખરીદી રહ્યા છો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે આ રમતથી કંટાળી ગયા છે.’