Srinagar તા.29
પુલવામામાં આતંકી હુમલો ભૂલી શકાય તેમ નથી આ હુમલા બાદ શેરી-માર્ગો ભેંકાર હતા અને સુરક્ષા દળોનાં ધાડા સિવાય ભાગ્યે જ કાંઈ નજરે ચડતુ હતું પરંતુ હવે ફરી હાલત નોર્મલ થવા સાથે રાતની રોનક પાછી આવી ગઈ છે અને તેના ભાગરૂપે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ યોજાતા આતંક અસરગ્રસ્ત ક્ષેત્રમાં સેંકડો લોકો બહાર દેખાવા લાગ્યા હતા.
જમ્મુ-કાશ્મીર સ્પોર્ટસ કાઉન્સીલે લોકલ ધારાસભ્ય વાહીદ પરાના સહયોગથી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી છે જેને પગલે ક્રિકેટ સ્ટેડીયમમાં સેંકડો લોકો ઉમટતા રંગીન માહોલ સર્જાયો હતો રોશની-મ્યુઝીક અને એકશનની ધમાલ હતી.
રોયલ પ્રિમીયમ લીગ પુલવામાં નામની આ ટુર્નામેન્ટમાં ડે-નાઈટ ટી-20 મેચ છે.ફલડલાઈટ હેઠળ મેચની સજા લેવા મધરાત સુધી સ્ટેડીયમમાં ક્રિકેટ ફેન્સનો મહેરામણ હતો. આયોજકોએ કહ્યું કે અગાઉ નોકઆઉટ ટુર્નામેન્ટ સફળ બની હતી એટલે ડે-નાઈટ ટુર્નામેન્ટ યોજવાનું નકકી કર્યુ હતું. કાશ્મીરમાં પણ ક્રિકેટનો ક્રેઝ હોવાનું સાબીત થઈ જ ગયુ છે.
ટુર્નામેન્ટ પૂર્વે ત્રણ માસ પીચ અને સ્ટેડીયમ તૈયાર કરવામાં લાગ્યા હતા.ફલડલાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્પોન્સર શોધવામાં આવ્યા હતા. પ્રથમ ઉદઘાટન મેચમાં સમગ્ર કાશ્મીરમાંથી પ્રસંશકો ઉમટયા હતા. આ ટુર્નામેન્ટમાં 10 ટીમોને સામેલ કરવામાં આવી છે. સ્પર્ધામાં કાશ્મીરની બહારના ખેલાડીઓને પણ સામેલ કરવાની છુટ્ટ હોવાથી દરેક ટીમમાં બહારના ખેલાડી પણ છે.
આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બર અંત સુધી ચાલશે વિજેતા ટીમ, ખેલાડીઓ માટે આકર્ષક ઈનામો પણ નકકી કરાયા છે. પ્લેયર ઓફ ધ સીરીઝ બનનારને 15 લાખ અપાશે. બુધવારનો મેચ ભારે વરસાદમાં રદ કરવો પડયો હોવા છતાં સ્ટેડીયમમાં ચાહકો ઉમટયા હતા.સ્પર્ધાની ટીમ રોયલ ગુડવીલ વતી પાંચ વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચ બનેલા અનુજકુમારે કહ્યું કે કાશ્મીરમાં આટલી મોટી સંખ્યામાં દર્શકોની હાજરી પ્રથમ વખત જોવા મળી છે.