અમેરિકા દ્વારા ટેરિફનું પ્રેશર અને બંને દેશો વચ્ચે વેપાર કરાર મુદ્દે કોઈ ચર્ચા ન થતાં રૂપિયા પર દબાણ વધ્યું છે
New Delhi, તા.૨૯
ટેરિફ વોર અને ભારત-અમેરિકાના વણસી રહેલા વેપાર સંબંધોના કારણે રૂપિયો આજે ૬૪ પૈસા સુધી ગગડ્યો છે. આ સાથે રૂપિયો ડૉલર સામે ઐતિહાસિક ૮૮.૨૯ના તળિયે પહોંચ્યો છે. અમેરિકા દ્વારા ટેરિફનું પ્રેશર અને બંને દેશો વચ્ચે વેપાર કરાર મુદ્દે કોઈ ચર્ચા ન થતાં રૂપિયા પર દબાણ વધ્યું છે. વધુમાં વિદેશી રોકાણકારો દ્વારા મોટાપાયે વેચવાલી પણ આ કડાકા માટે જવાબદાર રહી છે. આજે શુક્રવારે ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા તૂટી ૮૭.૭૬ પર ખૂલ્યો હતો. જે બાદમાં ઇન્ટ્રા ડે ૮૮.૩૩ના ઓલટાઇમ લૉ સપાટીએ પહોંચ્યા હતા. અંતે ૬૪ પૈસા તૂટી ૮૮.૨૭ના ઐતિહાસિક તળિયે બંધ રહ્યો હતો. ગઈકાલે ગુરુવારે ડૉલર સામે રૂપિયો ૮૭.૫૮ પર બંધ રહ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ પણ શુક્રવારે ૨ ટકા તૂટ્યો હતો. ફેડ રિઝર્વ દ્વારા આગામી મહિને વ્યાજના દરો ઘટાડવાની અપેક્ષાએ ફોરેક્સ માર્કેટમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જેના લીધે ડૉલર પણ નબળો પડ્યો છે.. ડૉલર ઇન્ડેક્સ આ મહિને ૨ ટકા ઘટી ૯૮.૦૨ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
આરબીઆઇએ ડૉલર સામે રૂપિયામાં જોવા મળી રહેલા કડાકાને ધ્યાનમાં લેતાં દખલગીરી વધારવી પડશે. આરબીઆઇએ જૂનમાં સ્પોર્ટ ફોરેક્સ માર્કેટમાં ૩.૬૬ અબજ ડૉલરની વેચવાલી નોંધાવી હતી. રૂપિયામાં કડાકો અટકાવવા માટે આરબીઆઇ છેલ્લા બે-ત્રણ મહિનાથી ડૉલર વેચી રહ્યું છે. જૂનમાં ૧.૧૬ અબજ ડૉલરની ખરીદી સામે ૪.૮૩ અબજ ડૉલરની વેચવાલી નોંધાવી હતી.