Surat,તા.30
સુરત અઠવાલાઇન વિસ્તારમાં ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન સ્થાનિકો દ્વારા વાતનું વતેસર કરવામાં આવ્યું હતું. હકીકતમાં શુક્રવારે (29 ઓગસ્ટ) સાંજે બે બાળકો ક્રિકેટ રમતા હતા ત્યારે ક્રિકેટની એક્શન કરતા ભૂલથી ગણેશ પ્રતિમા પર પથ્થર લાગી ગયો હતો. ત્યારબાદ ત્યાં હાજર મહિલાએ બાળકોને ઠપકો આપતા બાળકોએ મહિલા પર બીજા બે પથ્થર ફેંક્યા અને ત્ચાંથી ભાગી ગયા હતા. જોકે, આ ઘટના બાદ મહિલાએ બૂમાબૂ કરતા હોબાળો સર્જાયો હતો. જોકે, સ્થાનિકોનો એવો દાવો છે કે, બાળકો ક્રિકેટ નહતા રમતા અને જાણી જોઈને પથ્થર ફેંકવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં ગણેશ મહોત્સવ દરમિયાન બે બાળકો દ્વારા ગણેશજીની મૂર્તિ પર પથ્થર ફેંક્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. શુક્રવારે સાંજે 5:45 વાગ્યાની આસપાસ બે બાળકો ક્રિકેટ રમવાની એક્શન કરી રહ્યા હતા. તે દરમિયાન ભૂલથી પથ્થર ગણેશજીની પ્રતિમાની પાસે પડ્યો હતો. સ્થાનિક મહિલા આ દરમિયાન ગણેશજીના દીવામાં ઘી પૂરતા હતા, ત્યારે ઘટના બનતા તેમણે બાળકોને ઠપકો આપ્યો હતો. જોકે, મહિલાના ઠપકાથી રોષે ભરાયેલા બાળકો બીજા બે પથ્થર મહિલા ઉપર ફેંકી ત્યાંથી નાસી ગયા હતા. આ દરમિયાન મહિલાએ બૂમાબૂમ કરતા અન્ય લોકો ત્યાં હાજર થઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં મહિલાને કમરના ભાગે ઈજા થઈ હતી.
આ મામલે અન્ય સ્થાનિકોનો એવો દાવો છે કે, બાળકો કોઈ ક્રિકેટ રમતા નહતા પરંતુ, જાણી જોઈને ગણેશની પ્રતિમા પર પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલા હાજર ન હોત તો મૂર્તિ ખંડિત થઈ ગઈ હોત. સ્થાનિકોએ સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરી અને આ મામલે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી હતી.
પોલીસે આ મામલે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી પણ તપાસવામાં આવ્યા હતા. જેમાં ખુલાસો થયો કે, 7-8 વર્ષના બે-ત્રણ બાળકો ક્રિકેટ રમતા હતા, ત્યારે ભૂલથી આ ઘટના બની હતી. જોકે, હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ છે. આ મામલે પોલીસે લોકોને અફવા ઉપર ધ્યાન ન આપવા અને વાતાવરણ ન ડોહળાય તે માટે સાવધ રહેવાની અપીલ કરી હતી.