New Delhi,તા.30
ટીમ ઈન્ડિયાને પોતાની કોચિંગ દ્વારા T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા રાહુલ દ્રવિડે આઈપીએલમાંથી રાજસ્થાન રોયલ્સના હેડ કોચ પદેથી રાજીનામુ આપી દીધું છે. તેમણે અચાનક આ નિર્ણય લેતા બધા ચોંકી ગયા હતા. ખુદ રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર આ અંગે જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ 2024 T20 વર્લ્ડ કપ જીત્યા પછી રાહુલ દ્રવિડે પોતાનો કાર્યકાળ સમાપ્ત કર્યો હતો. દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ 17 વર્ષ પછી T20 વર્લ્ડ ચેમ્પિયન બની. આ પછી ઘણી ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે દ્રવિડને કોચ તરીકે તેમની ટીમમાં સામેલ કરવા માટે સ્પર્ધા થઈ. એક ફ્રેન્ચાઇઝીએ તેમને બ્લેન્ક ચેક પણ ઓફર કર્યો હતો, પરંતુ દ્રવિડ તેમની જૂની ટીમ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા રહ્યા.રાજસ્થાન રોયલ્સે કહ્યું કે રાહુલ દ્રવિડને માળખાકીય સમીક્ષા હેઠળ એક મોટી જવાબદારી અને મોટું પદ પણ ઓફર કરાયું હતું તેમ છતાં તેમણે આ ઓફર સ્વીકારી નહોતી. હવે તેઓ 2026ની આઈપીએલ સિઝન અગાઉ જ ફ્રેન્ચાઈઝીથી અલગ થઇ ગયા છે. રાહુલ અનેક વર્ષોથી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા રહ્યા છે. તેમના નેતૃત્વમાં અનેક ખેલાડીઓ નિખર્યા છે