Ukraine તા.1
એક રિપોર્ટ અનુસાર યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનની ઉર્જા જરૂરિયાતોને પુરી કરવામાં ભારત મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે. કીવ સ્થિત ઓઈલ વિશ્લેષણ ફર્મ નેફટોરિનોક અનુસાર જુલાઈ 2025માં યુક્રેને ભારત પાસેથી સૌથી વધુ ઓઈલ ખરીદ્યુ છે.
ગત મહિને યુક્રેનની ડિઝલ આયાતમાં ભારતની ભાગીદારી 15.5 ટકા રહી. આ રિપોર્ટ ત્યારે બહાર આવ્યો, જયારે અમેરિકાએ રશિયન ઓઈલ આયાત ચાલુ રાખવા માટે ભારતીય વસ્તુઓ પર 50 ટકા ભારે ટેરિફ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાનો દાવો છે કે ઓઈલ આયાતથી યુક્રેનની વિરુદ્ધ રશિયાના યુદ્ધને નાણાકીય પોષણ આપવામાં આવે છે. ટ્રમ્પ પણ યુદ્ધને ખતમ કરવાના સતત પ્રયાસ કરી રહ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જુલાઈમાં ભારતે સરેરાશ 2700 ટન ડીઝલ દરરોજ મોકલ્યું છે, જે આ વર્ષે ઉચ્ચતમ નિકાસ સ્તરોમાં ગણવામાં આવ્યું છે. તે કોઈપણ અન્ય દેશથી ઘણુ વધુ છે. આના એક વર્ષ પહેલા જુલાઈ-2024માં ભારતની ભાગીદારી માત્ર 1.9 ટકા હતી.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જાન્યુઆરીથી જુલાઈ સુધી ભારતની ભાગીદારી 10.2 ટકા રહી છે, જે ગત વર્ષના આ સમયગાળા દરમિયાન પાંચ ગણી વધુ છે. ભારતીય ઓઈલ યુક્રેન સુધી અનેક માર્ગેથી પહોંચી રહ્યું છે, તેનો મોટો ભાગ રોમાનિયાથી ડેન્યુબ નદીથી ટેન્કો દ્વારા પહોંચાડવામાં આવે છે. જયારે તુર્કીયેના મરમારા એરેગ્લિસી પોર્ટ સ્થિત ઓપી ઈટી ટર્મિનલથી પણ સપ્લાય થઈ રહી છે, આ ભારત અને અમેરિકા વચ્ચે વધતા વેપાર તનાવ દરમિયાન થયું છે.