Veraval,તા.01
વેરાવળ ખાતે શહેરમાં સ્થાપના કરવામાં આવેલ ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું.ટાવરચોક ખાતે તમામ ગણપતિના પંડાલ ધારકોને ખારવા સમાજના પટેલ, ધારાસભ્ય અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તમામ ગણપતિનું રણબારા બંદરે વિસર્જન કરવામાં આવ્યું હતું.ઉપરાંત પોલીસ દ્વારા પણ ડ્રોન સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું.વેરાવળ શહેરમાં સ્થાપિત ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું ગઈકાલે વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું.ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ ના નારા સાથે ડીજેના તાલે શહેરના મુખ્ય માર્ગો પરથી અબીલ ગુલાલની છોડો સાથે શોભાયાત્રા યોજી ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતુ. દરમિયમ ટાવર ચોક ખાતે સનાતન હિન્દુ સેવા સમાજ પ્રમુખ અને ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા તમામ ગણપતિ પંડાલોના સ્થાપકોને શિલ્ડ આપવામાં આવ્યા હતા. આ સિવાય ધારાસભ્ય વિમલ ચૂડાસમા અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા પણ તમામ ગણપતિનું ફૂલ અને ગુલાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.તમામ ગણપતિના વિસર્જન માટે રણબારા બંદરે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા,વિભાગીય પો.અધિ. વી.આર ખેંગાર,ની સુચના મુજબ સીટી પીઆઈ એચ.આર.ગોસ્વામી તેમજ સીટીપો.સ્ટાફ, એલ.સી.બી.,એસ.ઓ.જી. સહિત પો.સ્ટાફ દ્વારા ગણપતિ વિસર્જન રૂટ પર ચુસ્ત બંદોબસ્ત અને ડ્રોન સર્વેલન્સ ગોઠવવામાં આવ્યો હતો અને ફાયર વિભાગનો સ્ટાફ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તૈનાત કરવામાં આવ્યો હતો.