New Delhi,તા.2
ભારતના મોટાભાગના ક્ષેત્રોમાં મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે. પાટનગર દિલ્હીથી માંડીને સંખ્યાબંધ રાજયોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. દિલ્હી-નોઈડા તથા ગુરૂગ્રામમાં ભારે વરસાદથી આઠ કિલોમીટરના ભયાનક ટ્રાફિકજામમાં હજારો લોકો કલાકો ફસાઈ ગયા હતા અને મધરાત પછી ઘરે પહોંચી શકયા હતા.
ભારે વરસાદથી દિલ્હી, એનસીઆર, રાજસ્થાન, પંજાબ તથા જમ્મુમાં જનજીવન ખોરવાયુ છે. દિલ્હીમાં યમુનાનુ જળસ્તર ખતરનાક લેવલથી વધતા પુરસંકટ સર્જાયુ છે. પંજાબમાં 3 લાખ એકર કૃષિ જમીન પાણીમાં ડુબી ગઈ છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં પુર છે. સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાતા લોકોને રેસ્કયુ કરાયા હતા.
બીજી તરફ ઉતરાખંડના ચમોલીમાં જયોતિમઠના માર્ગનો પુલ તણાઈ ગયો હતો. જમ્મુમાં વરસાદી કહેર વચ્ચે સંખ્યાબંધ ટ્રેનો રદ કરી નાખવામાં આવી હતી. દિલ્હી, નોઈડા તથા ગુરુગ્રામમાં લોકોને કપરી હાલતનો સામનો કરવો પડયો હતો.
આખા દિવસ-રાત વરસાદને કારણે કામધંધે જતા-આવતા લોકો ટ્રાફીકજામમાં અટવાઈ ગયા હતા. ઠેકઠેકાણે ભારે ટ્રાફિકજામ હતો. ગુરૂગ્રામમાં હાલત વધુ ખરાબ હતી. જળબંબાકારને કારણે આઠ કિલોમીટરનો ટ્રાફિકજામ થયો હતો. તેમાં હજારો લોકો ફસાઈ ગયા હતા અને મધરાત સુધી ઘરે પણ પહોંચી શકયા ન હતા.
ટ્રાફિકજામમાં ફસાયેલા વાહનોની લાઈટો જ ઝળહળતી જોવા મળી હતી. લોકોને ફરજીયાતપણે વાહનોમાં જ કલાકો ગાળવા પડયા હતા અને હોર્નનો શોરબકોર હતો. અભૂતપૂર્વ ટ્રાફિકજામથી લોકોમાં આક્રોશ હતો.
હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારે વરસાદનુ એલર્ટ જારી કરવામાં આવ્યુ હોવાથી સ્કુલો બંધ રાખવાની સુચના જારી કરવામાં આવી હતી. કર્મચારીઓને પણ વર્કફ્રોમ હોમની છુટ્ટ આપવામાં આવી હતી.