Ahmedabad,તા.02
બિહારની ધારાસભા ચૂંટણી સમયે જ `વોટ-ચોરી’નો મુદો બની ગયેલા અને વિપક્ષે તેને દેશભરમાં હથિયાર બનાવવા કરેલી જાહેરાત વચ્ચે ચુંટણીપંચ તેના મતદાર યાદી સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રીવિજન (સર)માં આગળ વધવા મકકમ છે.
બિહાર બાદ પશ્ચીમ બંગાળમાં આ કવાયત શરૂ કરી દેવા માટે ખાસ અધિકારીઓની નિયુક્તિ પણ શરૂ કરી દીધી છે તે વચ્ચે હવે ગુજરાતમાં પણ દિવાળી પછી રાજયની મતદાર યાદીની પુનસમીક્ષાની કવાયત શરૂ થશે અને આ કામગીરી 2027ના અંતમાં આવી રહેલ વિધાનસભા ચુંટણી પુર્વે પુરી કરી દેવામાં આવશે.
ગુજરાતમાં પણ વિપક્ષોએ વોટ-ચોરીનો મુદો ઉઠાવ્યો છે તે સમયે ચૂંટણી પંચની આ કામગીરીનો વ્યાપક વિરોધ થવાની ધારણા છે. પરંતુ રાષ્ટ્રીય ચુંટણીપંચે આ કામગીરી માટે બ્લોક લેવલ ઓફિસર (બીએલઓ) તથા અન્ય સ્ટાફની નિયુક્તિની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.
એક સીનીયર સરકારી અધિકારીના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે તમામ રાજયોમાં આ કામગીરી કરવા નિર્ણય લીધો છે. જે રાજયો આગામી વર્ષ સુધીમાં જઈ રહ્યા છે તેને પ્રાથમીકતા અપાશે તો બાકીના રાજયોમાં પણ આ કવાયત કરાશે. જેમાં ગુજરાતને પ્રથમ પસંદગી આપવામાં આવી છે અને તે માટેની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે.
હવે ગુજરાતમાં મતદાર યાદીની પુરી રીતે પુનઃ સમીક્ષા ખાસ કરીને રાજયમાં જે રીતે લાંબા સમયથી આ પ્રકારની સ્કુટીની થઈ નથી તેથી તે રસપ્રદ સ્થિતિ સર્જશે તેવા સંકેત છે. જેમાં જેઓના નામ છે તેઓ જે તે સ્થળે જ વસે છે કે અન્યત્ર ટ્રાન્સફર થયા છે, હયાત છે કે કેમ, અને જે નવા નામ એક કટ-ઓફ-ડેટ બાદ ઉમેરાયા છે.
તેઓ ખરેખર મતદાર બનવા યોગ્ય છે કે કેમ તે તમામ ચકાસણી થશે. આ ઉપરાંત જેઓ ગુજરાત છોડી ગયા હોય તો તેમના નામ કમી થશે. ગુજરાતમાં છેલ્લી સ્થિતિ મુજબ 4.9 કરોડ મતદારો છે. ચુંટણીપંચે બિહારમાં જેમ આ કવાયત સામે પ્રશ્નો ઉઠયા તે ગુજરાત કે અન્ય રાજયોમાં સર્જાય નહી તે હેતુથી વધુ સમય મર્યાદા સાથે આ કામગીરી કરવા નિર્ણય લીધો છે.
જેથી કોઈને ફરિયાદની તક રહેશે નહી. ગુજરાતમાં હાલમાં જ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ નવસારીની ચોર્યાશી વિધાનસભા બેઠકમાં 30000થી વધુ બોગસ મતદારો ઉમેરાયા હોવાનો દાવો કરી તેને `વોટ-ચોરી’ ગણાવી છે તો રાહુલ ગાંધીએ વોટ-ચોરી મુદે એટમ બોમ્બ ફોડવામાં આવ્યો.
હવે હાઈડ્રોજન બોમ્બ ફોડાશે. તેવો દાવો કરીને વિવાદ વધારી દીધો છે. બીજી તરફ રાજયમાં ઓકટો-ડિસેમ્બરમાં મહાપાલિકા-જીલ્લા પંચાયતોની ચુંટણીમાં પણ યોજાવાની છે. જો કે તે હાલની થોડા રૂટીન ફેરફાર સાથેની મતદાર યાદી સાથે જ યોજાશે તેવો સંકેત છે.