New Delhi, તા.2
ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં રવિવાર મોડી રાત્રે એક પછી એક ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાતા ભારે તબાહી સર્જાઈ છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મોત થયા હોવાના અને 1,300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
ભૂકંપના કારણે એવી તબાહી મચી છે કે, અનેક ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ સંકટની ઘડીમાં ભારતે અફઘાનિસ્તાનને તાત્કાલિક માનવતાવાદી સહાય મોકલી છે. ભારત દ્વારા 1,000 ફેમિલી ટેન્ટ અને 15 ટન ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં વધુ રાહત અને બચાવ સામગ્રી મોકલવામાં આવશે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, `આજે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તકી સાથે વાત થઈ છે. ભૂકંપમાં થયેલી જાન-માલની હાનિ પર મારી સંવેદના વ્યક્ત કરી છે. મેં તેમને જાણ કરી કે ભારતે આજે કાબુલમાં 1,000 પરિવારો માટે તંબુ પહોંચાડ્યા છે.
ભારતીય મિશન દ્વારા કાબુલથી કુનાર સુધી 15 ટન ખાદ્ય સામગ્રી પણ તરત જ પહોંચાડવામાં આવી રહી છે. આવતીકાલથી ભારત દ્વારા વધુ રાહત સામગ્રી મોકલવામાં આવશે. હું ઈજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કં છું. આ મુશ્કેલ સમયમાં ભારત અફઘાનિસ્તાનની સાથે છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોમવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપથી થયેલી જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, ભારત અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ માનવતાવાદી સહાય અને રાહત પૂરી પાડવા માટે તૈયાર છે. આ મુશ્કેલ ઘડીમાં અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને અમે ઈજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.