રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૯.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૩૬૪ સામે ૮૦૫૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૦૦૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૫૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૧૫૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૪૮ સામે ૨૪૭૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૫૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૬૯૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના પ્રમુખે શરૂ કરેલી ટેરિફ વૉરના પડકારોને પહોંચી વળવા માટે ભારત સરકાર અન્ય દેશો સાથેના વેપાર વધારવામાં સક્રિય થતા તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળતા આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું, જો કે ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી નોંધાતા આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિશ્વ પર ટેરિફના નામે જોહુકમીને લઈ વિશ્વના અનેક દેશો નારાજ હોઈ અમેરિકા વિરૂધ્ધ ભારત, ચાઈના અને રશીયા એક મંચ પર આવી જતાં વિશ્વ હવે બે અલગ-અલગ ભાગોમાં વિભાજિત થઇ ગયું હોઈ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા સાથે ભારતના પ્રથમ ત્રિમાસિકના જીડીપી-આર્થિક વૃદ્વિના આંકડા અપેક્ષાથી સારા ૭.૮% જાહેર થવા છતાં અમેરિકાના ભારત પર ૫૦% ટેરિફ લાગુ કરાતાં અને આ મામલે હજુ બન્ને દેશો વાટાઘાટના ટેબલ પર આવવા તૈયાર નહીં હોઈ ભારતીય ઉદ્યોગોની હાલત કફોડી બનવાના એંધાણે કંપનીઓની નફાશક્તિ પર ભીંસ વધવાની શકયતાએ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર શરૂઆતી ઉછાળો દર્શાવ્યા બાદ દિવસના અંતે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, સપ્ટેમ્બર માસમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો આવવાની ધારણાં તથા વૈશ્વિક સ્તરે રાજકીય ભૌગોલિક સમીકરણોમાં આવી રહેલા બદલાવને પરિણામે વૈશ્વિક ડોલર ઇન્ડેક્સમાં નબળાઈના કારણે રૂપિયાના મૂલ્યમાં વધારો જોવા મળ્યો હતો, જયારે અમેરિકામાં અપીલ કોર્ટે ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો છે. જે ટેરિફ નાબુદ થશે તો ક્રુડઓઈલની માગમાં વધારો થવાની ગણતરીએ ભાવમાં સુધારો જોવા મળ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, યુટિલિટીઝ, એફએમસીજી, મેટલ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, ઈન્ડસ્ટ્રીયલ્સ, કોમોડિટીઝ અને સર્વિસીસ સેક્ટરલ વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૧૪ અને વધનારની સંખ્યા ૨૫૩૧ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે પાવર ગ્રીડ ૨.૪૩%, એનટીપીસી ૧.૬૦%, હિંદુસ્તાન યુનિલિવર ૧.૦૯%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૯૨%, બીઈએલ ૦.૭૪%, બજાજ ફિનસર્વ ૦.૫૮%, ટેક મહિન્દ્ર ૦.૩૪% અને ઈટર્નલ ૦.૩૩% વધ્યા હતા, જ્યારે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૪૫%, એશિયન પેઈન્ટ ૧.૩૩%, કોટક બેન્ક ૧.૨૮%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૧૫%, ટાટા મોટર્સ ૦.૮૩%, લાર્સન લિ. ૦.૭૪%, ટ્રેન્ટ લિ. ૦.૭૩% અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૮%, એચડીએફસી બેન્ક ૦.૬૬% અને એક્સિસ બેન્ક ૦.૫૪% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૯.૯૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૫ કંપનીઓ વધી અને ૧૫ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ઓગસ્ટ ૨૦૨૫માં થયેલી એફપીઆઈની સૌથી મોટી વેચવાલીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ટૂંકા ગાળે ભારતીય શેરબજારમાં દબાણ અને ઊથલપાથલ ચાલુ રહી શકે છે. અમેરિકાના ટેરિફ અને ઊંચા મૂલ્યાંકનને કારણે વિદેશી રોકાણકારો હજી સાવચેત રહેવાની શક્યતા છે. પરંતુ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી અને આઈપીઓ માર્કેટમાં એફપીઆઈની સક્રિય ભાગીદારી દર્શાવે છે કે ભારતને લાંબા ગાળે હજી પણ વૃદ્ધિ માટે આકર્ષક ગણવામાં આવે છે. જો વૈશ્વિક સ્તરે અમેરિકા-ભારત વચ્ચે વેપારી તણાવ ઘટે અને સ્થાનિક અર્થતંત્રમાંથી સકારાત્મક સંકેતો મળે તો ફરીથી વિદેશી મૂડીપ્રવાહ વળવાની શક્યતા ઊભી થાય છે. મધ્યમ ગાળે બજાર માટે ટ્રેડ ડીલની પ્રગતિ, ડોલર સામે રૂપિયાની ગતિશીલતા અને કોર્પોરેટ કમાણીના પરિણામો મુખ્ય નિર્ણાયક બનશે.
તા.૦૩.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૨.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૬૯૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૦૬ પોઈન્ટ થી ૨૪૫૩૦ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- એસબીઆઈ લાઈફ ( ૧૮૨૧ ) :- લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૮ થી રૂ.૧૮૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- સન ફાર્મા ( ૧૫૬૭ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૫૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૧૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૮૦ થી રૂ.૧૫૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૬૯ ) :- રૂ.૧૪૩૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૧૭ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૮૪ થી રૂ.૧૪૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૦૬૦ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૧૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૪૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૦૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૬૩ થી ૧૦૭૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૫૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૦૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૬૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૨૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૪૯૯ ) :- રૂ.૧૫૩૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૬૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૮૪ થી રૂ.૧૪૭૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૬૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૯૯ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૩૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૮૩ થી રૂ.૧૩૭૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ભારત ફોર્જ ( ૧૧૩૫ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૮૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૦૨૫ ) :- રૂ.૧૦૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૫ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૯૮૫ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies