બોરસદ તાલુકાના કણભા ગામે ૧૭ વર્ષની એક સગીરાની સાથે અભ્યાસ કરતો અને ગામનો ભાણેજ સગીર તેને મળ્યો હતો
Anand, તા.૫
બોરસદ તાલુકાના કણભા ગામે એકતરફી પ્રેમમાં પાગલ સગીરે સગીરાને મંદિરે મળવા બોલાવ્યા બાદ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સગીરાએ ફગાવી દેતા ઉશ્કેરાયેલા સગીરે ચપ્પાના ઘા ગળા અને ગાલ પર મારી દીધા હતા. જેને પગલે સગીરાને ગંભીર ઈજા પહોંચી હતી. બાદમા સગીરે પણ પોતાના હાથ પર ચપ્પુના ઘા માર્યા હતા. જેના પગલે તેને પણ હોસ્પિટલમાં ખસેડાયો છે. વિરસદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. બોરસદ તાલુકાના કણભા ગામે ૧૭ વર્ષની એક સગીરાની સાથે અભ્યાસ કરતો અને ગામનો ભાણેજ સગીર તેને મળ્યો હતો. આ સગીરાને પસંદ કરતો હોવાનું જણાવીલગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ સગીરાએ ઈન્કાર કર્યો હતો. ઝેર પી મરી જવા સહિતની ધમકીઓ પણ આપતો હતો. વધુમાં જો તેણી તેની સાથે લગ્ન નહીં કરે તો તેના લગ્ન બીજા સાથે પણ નહીં થવા દે તેમ કહેતો હતો. દરમિયાન, બુધવારે સવારે તેણી મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી તે સમયે સગીર તેને મળ્યો હતો. બોલાવ્યા બાદ થોડે દૂર લઈ ગયો અને પુનઃ તેની પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે સગીરાએ ફગાવી દીધો હતો. જેને પગલે સગીર ઉશ્કેરાઈ ખિસ્સામાં રાખેલા ચપ્પાનો ઘા તેના ગળામાં મારી દીધો હતો. બીજો ઘા કરતા તેના ગાલમાં ચપ્પુ વાગી ગયું હતું.સગીરા પર હુમલાના બનાવને પગલે ત્યાં હાજર તેની બેન અને ભત્રીજી ત્યાં આવી ગયા હતા અને તેને છોડાવી હતા. જતા-જતાં સગીરે ધમકીઓ પણ આપી હતી. સગીરાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ છે.