Rajkot, તા.6
સૌરાષ્ટ્રમાં મઘ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી જ રાજકોટ શહેરમાં પણ ગોરંભાયેલા આકાશ વચ્ચે હળવોથી મઘ્યમ વરસાદ વરસવાનું શરૂ થયું છે. કયારેક ઝરમર તો કયારેક મઘ્યમ એવો વરસાદ શહેરમાં બપોરે પણ વરસવાનું ચાલું રહયું હતું.
આથી સવારથી જ શહેરમાં ઠંડક છવાઇ ગઇ હતી. શહેરમાં સતત વરસી રહેલા વરસાદના પગલે અનેક નિચાણવાળા વિસ્તારો અને રાજમાર્ગો ઉપર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન થયા હતાં અને ત્રિકોણબાગ ચોક, મનપા પાસે ઢેબર રોડ, કાલાવડ રોડ સહીતના વિસ્તારોમાં વારંવાર ટ્રાફીકજામની સમસ્યા પણ સર્જાઇ હતી. જયારે રામનાથપરા, ત્રિકોણબાગ ચોક, પીડીએમ પાસે, કરણસીંહજી રોડ, લીમડાચોક, સહીતના વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતાં.
દરમિયાન બપોરે એક વાગ્યા સુધીમાં શહેરમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજકોટ શહેર ફાયરબ્રીગેડના જણાવ્યા મુજબ આજે બપોરે એક વાગ્યા સુધીમાં શહેરના વેસ્ટઝોનમાં સૌથી વધુ 41મીમી (પોણો ઇંચ) ઇસ્ટમાં 39મીમી તથા સેન્ટ્રલ ઝોનમાં 35મીમી વરસાદ નોંધાયો હતો.
વધુમાં ફાયરબ્રીગેડના જણાવ્યા મુજબ વેસ્ટઝોનમાં મોસમનો કુલ 839મીમી (34ઇંચ), ઇસ્ટઝોનમાં 630મીમી (25.5 ઇંચ), અને સેન્ટ્રલઝોનમાં 794મીમી (32 ઇંચ)વરસાદ નોંધાયો છે.
દરમિયાન સ્થાનીક હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ આજે અને આવતીકાલે પણ રાજકોટ શહેરમાં હળવાથી મઘ્યમ વરસાદ રહેશે. અને રથી 3 ઇંચ જેટલો વરસાદ થઇ શકે છે. બપોરે દોઢ કલાકે આ લખાય છે ત્યારે શહેરમાં ઘટાટોપ વાદળો છવાયેલા છે. પરંતુ વરસાદ રોકાયો હતો. જો કે હજુ વાતાવરણ જામેલું છે. આથી શહેરમાં ફરી ગમે ત્યારે વરસાદ ચાલુ થશે તેવી પુરી શકયતા છે.
વધુમાં સિંચાઇ વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર ભાદર-1 ડેમમાં 0ાા ફુટ જેટલું પાણી આવતા ડેમની સપાટી 30 ફુટે પહોંચી ગઇ છે. અને ડેમ છલકાવા આડે હવે માત્ર 4 ફુટનું છેટું છે. જયારે આજી-1ની સપાટી 28.60ફુટ થતા ડેમ છલકાવવા આડે હવે માત્ર 0.5 ફુટનું છેટું છે. શહેરનો ન્યારી-1 પણ 22 ફુટ સુધી ભરેલો છે.
ઉપરાંત રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા પાસે આવેલો છાપરવાડી-2 જળાશય તા. 05 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10.27 કલાકની સ્થિતિએ પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. રૂલ લેવલ જાળવવા પાણી છોડવા માટે 01 દરવાજો 0.05 મીટર ખોલવામાં આવ્યો છે.
આથી, જેતપુર તાલુકાના અસરગ્રસ્ત ગામો લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા, પ્રેમગઢ, રબારીકા અને લુણગરીના લોકોએ નદીના પટ તથા કાંઠા વિસ્તારમાં અવરજવર કરવી નહીં. તેમજ તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં ચેતવણી સંદેશ આપવામાં આવ્યો છે.