Dhaka,તા.૨૮
બાંગ્લાદેશની તારિક રહેમાન સરકાર સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીને સંડોવતા મક્કા સંરક્ષણ કરારમાં જોડાવાનું વિચારી રહી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી હુમાયુ કબીરની સાઉદી અરેબિયા અને તુર્કીના વિદેશ મંત્રીઓ સાથેની મુલાકાત બાદ અટકળો તેજ બની છે. એવા અહેવાલો છે કે બાંગ્લાદેશને આ સંરક્ષણ કરારમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જે ભારતમાં ચિંતા પેદા કરી શકે છે.
હુમાયુ કબીર ગુરુવારે ઇસ્લામિક સહકાર સંગઠનના ૨૩મા અસાધારણ વિદેશ મંત્રી પરિષદમાં હાજરી આપવા માટે જેદ્દાહમાં હતા ઓઆઇસી બેઠક દરમિયાન તેમણે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ સાથે મુલાકાત કરી. સુત્રોનેે ટાંકીને જણાવ્યું હતું કે વાટાઘાટો દરમિયાન મક્કા સંરક્ષણ કરારમાં બાંગ્લાદેશની ભાગીદારીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેઠક દરમિયાન મંત્રી હુમાયુ કબીરે બાંગ્લાદેશના વડા પ્રધાનનો પત્ર સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને સોંપ્યો હતો. બંને પક્ષોએ બાંગ્લાદેશ-સાઉદી અરેબિયા દ્વિપક્ષીય સંબંધોમાં સકારાત્મક ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
કબીરે જેદ્દાહમાં મક્કા કરારના અન્ય સભ્ય તુર્કીના નાયબ વિદેશ મંત્રી મુસા કુલકાલીકાયાને પણ મળ્યા. બેઠક પછી જારી કરાયેલા એક નિવેદનમાં, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ પ્રાદેશિક વિકાસ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું અને પરસ્પર હિતના મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી.
નિવેદનમાં બાંગ્લાદેશ અને તુર્કી વચ્ચે આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રોમાં સહયોગ પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને અનેક ક્ષેત્રોમાં જોડાણ વધારવા અને દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાના સહિયારા હિત પર ભાર મૂકવામાં આવ્યો હતો. કબીરે બેઠકમાં માહિતી આપી હતી કે વડા પ્રધાન રહેમાન સંયુક્ત રાષ્ટ્રના જળવાયુ પરિવર્તન પરિષદમાં ભાગ લેવા માટે તુર્કીની મુલાકાત લેશે.

