Gondal , તા.6
ગોંડલમાં એન્જીનીયરીંગ છાત્રા અને તેની માતા પર પર પાડોશી પિતા-પુત્રએ નિર્લજ્જ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ગોંડલ સીટી પોલીસ મથકમાં આરોપી સામે ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે ગોંડલમાં રહેતી અને રાજકોટ અપ ડાઉન કરી ડિપ્લોમા એન્જીનીયરીંગનો અભ્યાસ કરતી 18 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાજ જગદીશ સરવૈયા અને તેના પિતા જગદીશબાપુ સરવૈયા (રહે. બંને ગોંડલ) નું નામ આપતાં ગોંડલ સીટી પોલીસે નિર્લજ્જ હુમલા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી રાજકોટમાં ડિપ્લોમા એન્જીનીયરિંગનો અભ્યાસ કરે છે અને તેની માતા ઘરે જ બ્યુટીપાર્લર ચલાવે છે. તેમની પાડોશમાં જ આરોપી રાજ સરવૈયા રહે છે. તેના લગ્ન થયાં બાદ એક વર્ષ પહેલાં તેની પત્ની રિસામણે ચાલી ગઈ હતી અને બંનેના છૂટાછેડા પણ થઈ ગયાં હતાં.
જે દરમિયાન આરોપીની પત્નીનો ફરીયાદીની માતાને ફોન આવ્યો હતો કે, મારી ભાભીનો શ્રીમંતનો પ્રશંગ છે, તમે તૈયાર કરવા આવશો, જેથી તેણીની માતાએ ના પાડી હતી. જે બાદ આરોપીની પત્નીએ તેના સાસરિયાઓ વિષે પૂછતા ફરીયાદીની માતાએ તે મામલે વાત કરવાની ના પાડી ફોન કટ કરી નાંખ્યો હતો.
જે બાદ આરોપીએ તેની પત્નીની કોલ ડિટેઈલ કઢાવતા તેમાં ફરીયાદીની માતાના નંબર જોવા મળતા આરોપી ઉશ્કેરાયો હતો અને તેણીની માતાને આરોપીએ મારા ઘરે મીઠાઈ બનાવી છે ટેસ્ટ કરી જાવને કહીં ઘરે બોલાવી આરોપીએ પિસ્તોલ જેવું હથીયાર બતાવી કહ્યું કે, મારી પત્ની સાથે કેમ વાત કરે છે આટલી જ વાર લાગશે કહીં ધમકી આપી હતી.
જે બાદ બંને પરિવારે સમાધાન કરી લીધું હતું, છતાં પણ આરોપી તેણીની માતાને ટોર્ચર કરતો હતો. જે બાદ ફરીયાદીને પણ હેરાન કરવાનું શરૂ કર્યું હતું અને સામે જોઇને અવારનવાર કતરાતો હતો. દરમિયાન ગઈકાલે તેણી તેની મિત્ર સાથે એક્ટિવા લઈ બહાર જતી હતી ત્યારે આરોપીએ પોતાની કાર આડી નાંખી તેણીને ફડાકા ઝીંકી દઈ બેફામ મારમારી નિર્લજ્જ હુમલો કર્યો હતો. ત્યારે તેણીની માતા દોડી આવતા તેને પણ મારમાર્યો હતો અને આરોપીના પિતા પણ ઘસી આવી ફરીયાદીની માતાને ઢીકા પાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જે બાદ આરોપીએ તેણીને તું રાજકોટ અભ્યાસ કરવા જાય છે ને હવે તું જો કહીં ધમકી આપી નાસી છૂટ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધો આરોપીને પકડવા તજવીજ આદરી હતી.