Gandhinagar, તા.8
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ગુંજી ઉઠ્યો. આ દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. કોંગે્રસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ઉઠાવેલા પ્રશ્ન ના જવાબમાં સરકારે જણાવ્યું કે આ ઘટનામાં બેદરકારી બદલ ચાર અધિકારીઓની ફરજ મોકૂફ કરવામાં આવી છે. આ દુર્ઘટનાએ રાજ્યભરના પુલોની સલામતી અંગે ગંભીર ચિંતા ઉભી કરી છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારે રાજ્યભરના પુલોની ચકાસણીનો આદેશ આપ્યો હતો. રોડ એન્ડ બિલ્ડિંગ (છઇ) વિભાગના હસ્તકના 1,054 મેજર બ્રિજ, 5,475 માઇનોર બ્રિજ અને 239 સીડી સ્ટ્રક્ચરનું પુનઃ નિરીક્ષણ કરવામાં આવ્યું. આ નિરીક્ષણ બાદ 148 પુલોને ભારે વાહનો માટે અને 18 પુલોને તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી આગળની દુર્ઘટનાઓ ટાળી શકાય.
સરકારે જણાવ્યું કે આ પુલોનું સમારકામ અને મજબૂતીકરણ ઝડપથી હાથ ધરવામાં આવશે. આ ઘટનાએ વિધાનસભામાં તીવ્ર ચર્ચા જગાવી છે. કોંગે્રસે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે છઇ વિભાગની બેદરકારી અને નબળી દેખરેખને કારણે આ દુર્ઘટના ઘટી. ઈમરાન ખેડાવાલાએ માંગ કરી કે દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.