Morbi, તા.9
હળવદના ચંદ્રગઢ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં તરૂણ પાણી ભરવા માટે ગયો હતો ત્યારે તેનો પગ લપસ જવાથી તે પાણીમાં ડૂબી ગયો હતો જેને બચાવવા માટે યુવાને પાણીમાં ઝંપલાવ્યું હતું જોકે, કેનાલમાં પાણી વહેતું હોવાના કારણે બંને પાણીમાં ડૂબી ગયા હતા જેથી આ બનાવમાં તરૂણ સહિત કુલ બે વ્યક્તિના મોત નીપજ્યા છે જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં કાંતિલાલ મીઠાભાઈ કંઝરિયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી હિતેશભાઈ ભાવેશભાઈ રાઠવા (15) અને અશ્વિનભાઈ સંજયભાઈ રાઠવા (23) નામના બે વ્યક્તિનું ચંદ્રગઢ ગામ પાસેથી પસાર થતી પાણીની કેનાલમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું છે. જેથી કરીને તે બંનેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની અતુલભાઇ સોમસિંગભાઈ રાઠવા (27) રહે. ખરમડા ગામ જીલ્લો છોટાઉદેપુર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ચંદ્રગઢ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં હિતેશભાઈ રાઠવા નામનો 15 વર્ષનો તરૂણ પાણી ભરવા માટે ગયો હતો ત્યારે પગ લપસ જવાથી તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેને બચાવવા માટે અશ્વિનભાઈ સંજયભાઈ રાઠવાએ પાણીમાં ઝંપલાવ્યું હતું જોકે, કેનાલમાં પાણી વહેતું હોવાના કારણે બંને પાણીમાં ડૂબી ગયા હતા અને તે બંનેનું મોત નીપજયું હતું.