Bhavnagar, તા.8
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નસીતપુર ગામે કેરી નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલી એક ઈકો કારમાંથી બે વ્યક્તિઓને ગામલોકો અને સ્થાનિક તરવૈયાની મદદથી બચાવી લેવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ભીમડાદ ડેમ ઓવરફ્લો થતાં નસીતપુર ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો, જેના કારણે આ બનાવ બન્યો હતો.
મળતી માહિતી મુજબ નસવાડી ગામના પરેશભાઈ બારૈયા અને વિજયભાઈ બારૈયા પોતાની ઈકો ગાડીમાં નસીતપુર ગામના કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભીમડાદ ડેમ ઓવરફ્લો થતાં કેરી નદીના પ્રવાહમાં ભારે વધારો થયો હતો. કોઝવે પર પાણી ફરી વળ્યું હોવા છતાં, ગાડીના ચાલકે પસાર થવાનો પ્રયાસ કરતાં કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
કાર નદીના પ્રવાહમાં ફસાતા જ તેમાં સવાર બંને વ્યક્તિઓનો જીવ જોખમમાં મુકાયો હતો. આ અંગે નસીતપુર ગામના સરપંચ હિરાલાલ રાઠોડને જાણ થતાં, તેમણે ત્વરિત કાર્યવાહી કરી. સરપંચે તાત્કાલિક ગામલોકો અને સ્થાનિક તરવૈયાઓને એકઠા કર્યા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ગામલોકોએ સાથે મળીને માનવ સાંકળ બનાવી અને દોરડાની મદદથી કાર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.
બે કલાકની અથાક મહેનત બાદ, બંને વ્યક્તિઓને સહી-સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ પછી, બાજુના ગામમાંથી જેસીબી મશીન બોલાવીને ઈકો ગાડીને પણ નદીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી.