New Delhi તા, 31
છેલ્લાં પાંચ વર્ષમાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં અને ખાસ કરીને એસઆઇપી (SIP) મારફતે થતાં રોકાણમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. મુંબઈથી મળતાં અહેવાલો મુજબ, રોકાણકારોનો ઝુકાવ હવે પરંપરાગત લાર્જકેપ અને ટેક્સ સેવિંગ (ELSS) કેટેગરીમાંથી હટીને મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સ તરફ ઝડપથી વધી રહ્યો છે.
આ ફેરફાર વચ્ચે નાની ઉંમરથી જ રોકાણ શરૂ કરવાનો ક્રેઝ વધ્યો છે, જેમાં ખાસ કરીને 20 વર્ષથી ઓછી વયનાં યુવાનોમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. આ વયજૂથના રોકાણકારોની લાઇવ SIP સંખ્યા એક જ વર્ષમાં 92 ટકા વધીને 2.9 લાખે પહોંચી ગઈ છે, જ્યારે 20 થી 30 વર્ષના રોકાણકારોની સંખ્યા 15 ટકાના વધારા સાથે 85.5 લાખ થઈ છે.
રોકાણના આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ દર વર્ષનાં ધોરણે 20 વર્ષથી ઓછી ઉંમરનાં યુવાનોના કુલ રોકાણમાં 9 ટકા અને 20 થી 30 વર્ષના રોકાણકારોના રોકાણમાં 41 ટકાનો મોટો વધારો થયો છે.
આંકડા દર્શાવે છે કે, 25 વર્ષથી ઓછી ઉંમર ધરાવતાં રોકાણકારો સરેરાશ 2 SIP ચલાવી રહ્યાં છે, જ્યારે 25 વર્ષથી વધુ ઉંમરનાં અનુભવી રોકાણકારો સામાન્ય રીતે 3 થી 4 SIP માં નિયમિત રોકાણ કરી રહ્યાં છે. માસિક ધોરણે નવા ખાતા ખોલવા અને રોકાણ રકમ મેળવવામાં યુવાનો સતત આગળ વધી રહ્યાં છે.
એમ્ફી-ક્રિસિલ ફેક્ટબુકના માર્ચ સુધીના ડેટા અનુસાર, રોકાણકારો હવે લાર્જકેપ ફંડ્સમાંથી પૈસા પાછા ખેંચીને મિડકેપ અને સ્મોલકેપ તરફ વાળી રહ્યાં છે. 2021 માં લાર્જકેપ ફંડ્સનો એસઆઇપી અઞખ માં હિસ્સો 16 ટકા હતો જે 2026 સુધીમાં ઘટીને 10 ટકા રહી ગયો છે.તેની સામે સ્મોલકેપ ફંડ્સનો હિસ્સો 8.3 ટકાથી વધીને 12.1 ટકા અને મિડકેપ ફંડ્સનો હિસ્સો 12.1 ટકાથી વધીને 13 ટકા થયો છે. ટેક્સ સેવિંગમાંથી પણ લોકોનું ધ્યાન ઘટ્યું છે, જેનો હિસ્સો 12.1 ટકા થી ઘટીને 6.80 ટકાએ આવી ગયો છે.

