નવી દિલ્હી, તા, 31
ભારતમાં કાગળનાં બદલે નીચા મૂલ્યની પ્લાસ્ટિક (પોલિમર) નોટો ચલણમાં લાવવાની દિશામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વધુ એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે. દેશમાં સુરક્ષિત અને ટકાઉ કરન્સી નોટો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી આરબીઆઈની પૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની `ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ’ (BRBNMPL) દ્વારા મંગાવવામાં આવેલી વૈશ્વિક બોલીઓ (EOI) માં ભારત અને વિદેશની અગ્રણી કંપનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.
આ ટેન્ડર પ્રક્રિયામાં ભારતીય પેકેજિંગ ક્ષેત્રની અગ્રણી કંપની ‘કોસ્મો ફર્સ્ટ’ એ બ્રિટનની વિશ્વપ્રસિદ્ધ નોટ ઉત્પાદક કંપની ‘ડી લા રૂ’ (De La Rue) સાથે ટેકનિકલ ભાગીદારી કરીને દાવેદારી નોંધાવી છે.
આ ઉપરાંત, વિશ્વના 40 થી વધુ દેશોની સેન્ટ્રલ બેંકોને પોલિમર કરન્સી પ પૂરી પાડતી ઓસ્ટ્રેલિયાની ‘CCL સિક્યોર’ અને વિયેતનામની ‘ચઝ હાઈ-ટેક પોલિમર’ કંપની પણ આ ગ્લોબલ રેસમાં સામેલ થઈ છે.
ભવિષ્યમાં છપાનારી આ પ્લાસ્ટિક નોટો રાષ્ટ્રીય સુરક્ષા અને ગોપનીયતાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોવાથી સપ્લાયર કંપનીઓ માટે ખૂબ જ કડક નિયમો નક્કી કરવામાં આવ્યાં છે. આ પ્રક્રિયામાં ભાગ લેનારી તમામ કંપનીઓએ લેખિત બાંહેધરી અને સિક્યોરિટી પેક્ટ સાઇન કરવો પડશે.
જેમાં તેમણે સ્પષ્ટ કરવું પડશે કે તેઓ ભારત માટેનાં પોતાનાં પોલિમર સપ્લાય અને કામકાજને ચીન તથા પાકિસ્તાન ખાતે ચાલતી તેમની અન્ય કામગીરીથી સંપૂર્ણપણે અલગ રાખશે.
આરબીઆઈએ આ વખતે ધાર્મિક અને સામાજિક બાબતોને ધ્યાનમાં રાખીને એક ખાસ શરત પણ ઉમેરી છે. તમામ સપ્લાયર કંપનીઓએ એવું કાનૂની પ્રમાણપત્ર આપવું પડશે કે આ નોટો બનાવવા માટે વપરાતાં પોલિમર મટીરીયલમાં કોઈપણ પ્રકારની એનિમલ ટેલો એટલે કે પ્રાણીઓની ચરબી કે તેના ડીએનએનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં બ્રિટન સહિતનાં દેશોમાં પ્લાસ્ટિક નોટોમાં પ્રાણી ચરબીના ઉપયોગને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો, જેથી ભારતમાં આ અંગે પૂરતી સાવચેતી રાખવામાં આવી રહી છે.
હાલ બોલી લગાવનારી કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલાં પોલિમર શીટ્સના સેમ્પલ્સને દેશના અલગ-અલગ વાતાવરણ અને ભૌગોલિક હવામાન ઝોનમાં કડક ચકાસણીમાંથી પસાર કરવામાં આવશે.
આ પ્રારંભિક ટેસ્ટિંગ અને પાત્રતા માપદંડોમાં સફળ થનારી કંપનીઓને જ આગળની આખરી ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી મળશે, જેના પછી ભારતમાં સત્તાવાર રીતે પ્લાસ્ટિક કરન્સીનું ઉત્પાદન અને છાપકામ શરૂ કરવામાં આવશે.
પ્રથમ તબકકે રૂા.10 અને 20ની નોટ જારી થશે
યોજના અનુસાર પ્રથમ તબક્કામાં રૂ. 10 અને રૂ. 20 ની નાની કિંમતની નોટો પોલિમર મટીરીયલમાં બહાર પાડવામાં આવશે. પ્લાસ્ટિક નોટો સામાન્ય કાગળની નોટો કરતાં વધુ સાફ-સુધરી, પર્યાવરણને અનુકૂળ અને જલ્દી ફાટે નહીં તેવી ટકાઉ હોય છે.
નિષ્ણાતોના મતે, આ પોલિમર નોટો કાગળની નોટો કરતાં આશરે છ ગણું વધુ આયુષ્ય ધરાવે છે અને તેના કારણે નકલી નોટો (કાઉન્ટરફિટિંગ) બનાવવાનું પણ લગભગ અશક્ય બની જશે.

