New Delhi, તા. 31
સોનાની કિંમતોમાં આવનારાં મહિનાઓમાં એકવાર ફરી ઝડપી ઉછાળો જોવા મળી શકે છે. વૈશ્વિક બ્રોકરેજ એજન્સી ગોલ્ડમેન સેક્સે અનુમાન લગાવ્યું 1છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 2026ના અંત સુધી 4,900 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.
વર્તમાનમાં ભાવ 4500 ડોલર પ્રતિ ઔંસ પર બનેલા છે. આ સ્તરથી સોનાનાં ભાવમાં આઠ ટકાની વધુ તેજી આવી શકે છે. આ ભાવથી ભારતમાં સોનું 1.70 લાખ પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી શકે છે. એજન્સીના જણાવ્યાં અનુસાર, દુનિયાભરની સેન્ટ્રલ બેંકોની સતત સોનું ખરીદવાની રણનીતિ કિંમતોને ટેકો આપી રહી છે.
આ સિવાય પશ્ચિમી દેશોનાં રોકાણકારો તરફથી ગોલ્ડ ઈટીએફમાં વધતો રસ અને અમેરિકી વ્યાજ દરોને લઈને બદલાતી અપેક્ષાઓ પણ સોના માટે સકારાત્મક સંકેત છે. આ પહેલાં પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયાં પછી સોનાની કિંમત જાન્યુઆરીનાં રેકોર્ડ સ્તરથી ઘટીને જૂનમાં 4,000 ડોલર પ્રતિ ઔંસથી નીચે જતી રહી હતી. આ પછી ઓગસ્ટમાં સોનાએ ફરી ઝડપ પકડવાની શરૂઆત કરી છે.
ઓગસ્ટમાં ફરી ઝડપી બની ચાલ
ઓગસ્ટમાં સોનાની કિંમતમાં સારી રિકવરી જોવા મળી. આંકડા અનુસાર, 24 ઓગસ્ટે સ્પોટ ગોલ્ડ 4,680.70 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો હતો. આ 14 મે પછીનું સૌથી ઉંચુ સ્તર હતું. આગલા દિવસે સોનું ત્રણ મહિનાના ઉચ્ચ સ્તરની આસપાસ રહ્યું.
જોકે, આ પછી અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેનની કડક ટિપ્પણીઓ બાદ સોનામાં તીવ્ર ઘટાડો પણ આવ્યો. 28 ઓગસ્ટે સ્પોટ ગોલ્ડ લગભગ 4,567.23 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો. આનાથી સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં સોનાની ચાલ ઘણી ઉતાર-ચઢાવવાળી રહી શકે છે.
ભારતમાં અસર
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત વધવાની સીધી અસર ભારતીય બજાર પર પડે છે. જોકે, ઘરઆંગણે કિંમત માત્ર આંતરરાષ્ટ્રીય સોનાનાં ભાવથી નક્કી નથી થતી. રૂપિયાની ડોલર સામે સ્થિતિ, આયાત શુલ્ક (ઇમ્પોર્ટ ડ્યુટી) અને સ્થાનિક માંગ પણ કિંમતને પ્રભાવિત કરે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યાં અનુસાર ઓગસ્ટના પહેલા બે અઠવાડિયામાં ભાવ લગભગ 9 ટકા વધીને 4,391 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયા, જ્યારે ભારતમાં સ્થાનિક કિંમત લગભગ 7 ટકા વધીને 1,51,744 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી.

