New Delhiતા, 31
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે કિરગિઝસ્તાનની રાજધાની બિશ્કેકમાં દ્વિપક્ષીય મુલાકાત યોજાઈ. ઈરાનમાં યુદ્ધનાં સંકટની સ્થિતિ ઊભી થયા બાદ બંને દેશોનાં વડાઓ વચ્ચે આ પ્રથમ પ્રત્યક્ષ બેઠક હતી.
શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ દરમિયાન યોજાયેલી આ બેઠક પર સમગ્ર વિશ્વની ખાસ નજર મંડાયેલી રહી. પીએમ મોદી કિરગિઝસ્તાનના રાષ્ટ્રપતિ સાદિર જાપારોવના નિમંત્રણ પર 26મા એસસીઓ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બિશ્કેક પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA અનુસાર, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પણ એસસીઓ સમિટ અને એસસીઓ પ્લસ બેઠકમાં ભાગ લીધો હતો. આ પ્રવાસ દરમિયાન તેમણે ભારતના પીએમ મોદી ઉપરાંત રશિયા, પાકિસ્તાન, કિરગિઝસ્તાન અને તાજિકિસ્તાનના નેતાઓ સાથે પણ દ્વિપક્ષીય ચર્ચાઓ કરી હતી.
બેઠક પહેલાં પેઝેશ્કિયાને સ્પષ્ટ કર્યું હતું કે ઈરાન યુદ્ધ નથી ઈચ્છતું, પરંતુ કોઈપણ આક્રમણનો જડબાતોડ જવાબ આપશે. તેમણે ક્ષેત્રીય શાંતિ અને સહઅસ્તિત્વ પર ભાર મૂકતા આ સમિટને મુક્ત અને સ્વતંત્ર અવાજોનું પ્રતીક ગણાવ્યું હતું.

