Nepal,તા.09
નેપાળના કાઠમંડુમાં ગઈકાલે શરૂ થયેલું Gen Z આંદોલન વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ગઈકાલે 20 આંદોલનકારીઓના મોત બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર તથા કેબિનેટ મંત્રીઓ સહિતના નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના કારણે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. નેપાળની સેનાએ પણ સરકારને અલ્ટિમેટમ આપી દેતા વડાપ્રધાને રાજીનામું આપ્યું છે.
આજે મોટી સંખ્યામાં યુવાનોએ નેપાળના માહિતી સંચાર મંત્રીના નિવાસ સ્થાનને આગ ચાંપી હતી. નવ મંત્રીઓએ રાજીનામું આપી દીધુ છે. એવું કહેવાય છે કે, બાંગ્લાદેશની શેખ હસીનાની સરકારને તોડી પાડવા અપનાવવામાં આવેલી મોડસ ઓપરેન્ડી નેપાળમાં પણ અજમાવાઈ છે. નેપાળમાં મોટાભાગના વિસ્તારોમાં કરફ્યુ હોવા છતાં આંદોલનકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપનારા અને તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા માહિતી સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરૂંગના ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી હતી. ઘટના બાદ પોલીસ તુરંત ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ બૂઝાવવાનો અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. આ આંદોલન સતત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલના ઘરે પણ આગ ચાંપી હતી. જ્યારે પૂર્વ ડેપ્યુટી પીએમ રઘુવીર મહાસેઠના જનકપુર સ્થિત ઘર પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કર્યો હતો.
સતત વધતી હિંસાના કારણે નેપાળની સેનાના પ્રમુખ જનરલ અશોક રાજ સિગ્દેલે વડાપ્રધાન ઓલીને રાજીનામું આપવા સલાહ આપી છે. સેનાએ કહ્યું છે કે તેઓ સત્તા નહીં છોડે ત્યાં સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી શકે તેમ નથી.
- આંદોલનકારીઓએ ગૃહમંત્રી રમેશ લેખકના ઘરમાં તોડફોડ કરી આગચંપી
- કીર્તિપુર નગરપાલિકા ભવનને આગ ચાંપી
- નેપાળના કોંગ્રેસ અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા શેર બહાદુર દેઉવાના ઘરમાં આગચંપી, અનેક વાહનો તોડ્યા
- વડાપ્રધાન કેપી શર્મા ઓલી દુબઈ ભાગી જવાની તૈયારીમાં, હિમાલય એરલાઈન્સને સ્ટેન્ડબાય રહેવા આદેશ
- ઓલીના પક્ષના નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન રઘુવીર મહાસેઠના ઘરે પથ્થરમારો
- લાલિતપુરમાં સીપીએન માઓવાદી અધ્યક્ષ પુષ્પ કમલ દહાલના નિવાસ પર હુમલો અને આગચંપી
- ગૃહમંત્રી, કૃષિ મંત્રી, સ્વાસ્થ્ય મંત્રી સહિત કુલ નવ મંત્રીઓએ આપ્યા રાજીનામાPM ઓલીના નિવાસ સ્થાન નજીક ગોળીબારની ઘટના બની છે. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંનેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વડાપ્રધાનના નિવાસ સ્થાન આસપાસ સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે.
નેપાળના વડાપ્રધાન કેપી ઓલીની મુશ્કેલી સતત વધી રહી છે. ગૃહમંત્રી બાદ હવે કૃષિ મંત્રી રામનાથ અધિકારીએ પણ રાજીનામું આપી દીધું છે. આ સિવાય સ્વાસ્થય મંત્રી પ્રદીપ પૌડેલે પણ રાજીનામું આપ્યું છે. સોમવારે હિંસક ઘટનાઓ અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા દમનના વિરોધમાં કૃષિ મંત્રીએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. તેમનું રાજીનામું ઓલી સરકાર માટે મોટા ઝટકા સમાન છે. જેનાથી ઓલી પ્રત્યે અવિશ્વાસનું પ્રમાણ વધ્યું છે. નેપાળમાં હિંસક આંદોલન બાદ સરકારે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલો પ્રતિબંધનો નિર્ણય આજે પાછો ખેંચ્યો હતો. તેમ છતાં ચારેકોર આંદોલન ચાલુ છે. ગઈકાલે ઓલી સરકારે જુઓ ત્યાં ઠાર કરોનો આદેશ આપી આંદોલનકારીઓ પર દમન ગુજાર્યો હોવાના આરોપ સાથે લોકો રસ્તા પર ઉતર્યા છે. પરિસ્થિતિને અંકુશમાં લેવામાં નિષ્ફળ રહેતાં ગૃહ મંત્રીએ રાજીનામું આપ્યું હતું. નેપાળમાં સોશિયલ મીડિયાની તમામ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. યુવાનોએ આ આંદોલન માત્ર સોશિયલ મીડિયા પર પ્રતિબંધોના કારણે શરૂ કર્યું નથી. પરંતુ તેઓ નેપાળમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર, અસમાનતા, બેરોજગારી જેવા મુદ્દાનો વિરોધ કરતાં આંદોલન છેડ્યું છે.

