Greece,તા.9
વસ્તી ઘટવાની સમસ્યાથી પરેશાન દક્ષિણ-પૂર્વ યુરોપના દેશ ગ્રીસે વસ્તી વધારવાના હેતુથી 1.6 અબજ યુરો એટલે કે લગભગ 16,563 કરોડ રૂપિયા)ના પેકેજની જાહેરાત કરી છે. રવિવારે આ નવી નીતિઓની જાહેરાત કરતા, વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસે જણાવ્યું કે, `આ રાહત પેકેજ દેશની સૌથી મોટી સમસ્યા એટલે કે ઘટતી વસ્તીને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
આ પેકેજમાં ચાર બાળકો પેદા કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા ટેક્સમાં છૂટ અને અન્ય પગલાં સામેલ છે.’ પ્રજનન દર ઘટવાના કારણે ગ્રીસ યુરોપનો સૌથી વૃદ્ધ દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગ્રીસ સરકારે વસ્તી વધારવાના હેતુથી નવા નિયમોની જાહેરાત કરી છે.
2026થી લાગુ થનાર આ નિયમો મુજબ, જે પરિવારોમાં ચાર બાળકો હશે તેમને ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. આ ઉપરાંત, જે વસાહતોની વસ્તી 1500 કરતાં ઓછી છે ત્યાંના લોકોને પણ અન્ય ટેક્સમાંથી છૂટ મળશે, જેનો ખર્ચ સરકાર પોતાના રાજકોષમાંથી ભોગવશે.
વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસના જણાવ્યા અનુસાર, ‘જો તમને કોઈ બાળક ન હોય તો જીવનનિર્વાહનો ખર્ચ ઓછો હોય છે, પરંતુ જો તમારા બે કે ત્રણ બાળકો હોય તો તે વધી જાય છે. આ કારણોસર, એક દેશ તરીકે આપણે એવા નાગરિકોને પુરસ્કૃત કરવાનો માર્ગ શોધવો જોઈએ, જેઓ વધુ બાળકો પેદા કરવાનું પસંદ કરે છે.’
યુરોપના અન્ય દેશોની તુલનામાં, ગ્રીસમાં પ્રજનન દર સૌથી ઓછો છે. ગ્રીસમાં પ્રતિ મહિલાનો પ્રજનન દર 1.4 બાળકો છે, જે સરેરાશ 2.1ના દર કરતાં ઘણો ઓછો છે. વડાપ્રધાન મિત્સોતાકિસે આ પરિસ્થિતિને `રાષ્ટ્રીય જોખમ’ ગણાવી છે.