Rajkot, તા. 9
રાજકોટમાં ગઇકાલે 8 સપ્ટેમ્બરે પોલીસે હેલ્મેટ કાયદાના અમલ માટે પછાડેલા ધોકાના પડઘા શહેરીજનોમાં ઘેરા પડયા છે. આ પડઘાની ગુંજ ભાજપ સરકાર સુધી પહોંચી છે અને આજે આ આકરા કાયદાની અમલવારી ઠંડી પડી છે.
રાજકોટ ભાજપના ધારાસભ્યો આજે બપોરે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીને મળ્યા હતા અને રાજકોટમાં દંડના રસ્તે કાયદાની અમલવારીના બદલે જનજાગૃતિના પ્રયાસો વધારવા સૂચન કર્યુ હતું. જે વિશાળ લોકહિતને ધ્યાનમાં રાખીને સરકારે સ્વીકારીને હાલ હેલ્મેટ કાયદાની દંડનીય કડક અમલવારી નહીં કરવા ખાતરી આપ્યાનું જાણવા મળ્યું છે.
ગઇકાલે પુરા શહેરમાં પોલીસ દળો ઉતરી પડયા હતા અને લગભગ ચાર હજાર જેટલા ટુ વ્હીલર ચાલકો સામે નિયમના ભંગ બદલ કેસ અને દંડ કરતા મોટો ઉહાપોહ થઇ ગયો હતો અનેક રાજમાર્ગ પર પોલીસ સાથે માથાકૂટ થઇ હતી. માથા પર બોજ જેવી હેલ્મેટ જે શહેરમાં વાહનો માંડ 20થી 25 કિ.મી.ની ઝડપે દોડી શકે છે અને તેમાં પણ ખાડાઓની મહેરબાનીથી ઘટાડો થઇ ગયો છે.
ત્યારે આ કાયદાની અમલવારી કેટલે અંશે વાજબી તે સવાલ ઉઠયો હતો. ભાજપના ચૂંટાયેલા લોકો પણ આ હાલત અને હકીકતથી વાકેફ હતા પરંતુ સત્તાધારી પક્ષમાં બેઠા હોવાથી કોઇ જાહેરમાં ખરી વાતને પણ ટેકો આપી શકયા ન હતા પરંતુ સીધી સરકારમાં વાત કરવા નકકી કર્યુ હતું.
આ દરમ્યાન રાજકોટ-68ના ધારાસભ્ય ઉદય કાનગડે લોકોને પડેલી મુશ્કેલી અંગે ટેલીફોનિક રજુઆત કરી આજે બપોરે મળવાનો સમય પણ માંગ્યો હતો. આજે બપોરે ઉદય કાનગડ, રાજકોટ-69ના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, રાજકોટ-70ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીને મળ્યા હતા અને લોકોની લાગણી પહોંચાડી હતી.
આમ તો જન્માષ્ટમીના દિવસોમાં જ રાજકોટમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટના નિયમનો અમલ થશે તેવું પોલીસે જાહેર કર્યુ હતું. રસ્તા પર હોર્ડિંગ બોર્ડ મુકીને સૌને નવી આદત માટે તૈયાર થવા સંદેશો આપ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હેલ્મેટ સાથે રેલી પણ યોજી હતી. પરંતુ આ સમયે પણ લોકો શહેરના ગીચ ટ્રાફિકમાં, ટુંકા અંતરમાં હેલ્મેટ પહેરવા તૈયાર નહીં થાય તેવું જ વાતાવરણ હતું.
હેલ્મેટ પહેરવાથી સલામતી જરૂર વધતી હશે પરંતુ લોકોના પ્રશ્નો તેનાથી વધી જાય છે તેવું ભુતકાળમાં પણ સાબિત થયું છે. આ વખતે તો સ્કુટરમાં બેઠેલા બંને વ્યકિતઓ માટે ફરજીયાત હેલ્મેટ જાહેર કરાઇ હતી. એક વ્યકિત પણ લાંબો સમય સતત હેલ્મેટ પહેરે તો થાકી જવાથી માંડી ગભરામણના પ્રશ્નો પણ થતા હતા. ગઇકાલે પોલીસે પ્રથમ દિવસે એવી અમલવારી કરી કે પુરા રાજકોટમાં દેકારો બોલી ગયો હતો.
મોડી સાંજ સુધી લોકો ભયભીત હતા અને અનેક જગ્યાએ તો હેલ્મેટ નહીં જ પહેરે તેવું કહીને પોલીસ સાથે રકઝક કરી હતી. જાગૃત નાગરિકોએ તો કાયદો લોકો માટે હોય છે, લોકો કાયદા માટે હોતા નથી.. આવું જ્ઞાન પોલીસને યાદ પણ કરાવ્યું હતું.
દરમ્યાન આ લોક રોષના પડઘા ઝીલવાની તક વિરોધ પક્ષે પણ ઝડપી લીધી હતી. આ વિરોધ જનઆંદોલન રૂપે ચાલુ રહે તેવું લાગતા ભાજપની નેતાગીરી પણ ચિંતામાં પડી હતી. દરમ્યાન ગત સાંજથી ધારાસભ્યો એલર્ટ બન્યા હતા અને સરકાર સાથે વાતચીત શરૂ કરી હતી. આજે બપોરે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીનો સમય મળતા ઉદય કાનગડ, ડો. દર્શિતા શાહ અને રમેશભાઇ ટીલાળા તેમને મળ્યા હતા અને રાજકોટના લોકોની લાગણી સાથેની હેલ્મેટ કાયદા અંગેની રજુઆત પત્રથી કરી હતી.
જેના પ્રતિભાવમાં ગૃહપ્રધાને આજથી કાયદાના અમલ માટે દંડનીય કાર્યવાહી નહીં થાય અને તેના બદલે પોલીસ મારફત જનજાગૃતિના પ્રયાસો કરાશે તેવી ખાતરી આપી હતી.
ઉદય કાનગડે જણાવ્યું હતું કે, હાલ ચોમાસાની ઋતુમાં ભીના રસ્તા, પાણી ભરાવા અને વધતી અવરજવર વચ્ચે નાગરિકોને હેલ્મેટ કાયદાની કડક અમલવારી મુશ્કેલીજનક સાબિત ન થાય તે માટે ધ્યાન દોર્યુ હતું.
સરકાર પણ જનહિત માટે સંવેદનશીલ છે અને પ્રજાની સુવિધા માટે યોગ્ય નિર્ણય લેતી રહી છે. આ લાગણી સાથે ગૃહમંત્રીને હેલ્મેટ કાયદાની કડક અને દંડનીય અમલવારી મોકુફ રાખવા રજુઆત કરતા સરકારે હકારાત્મક પ્રતિભાવ આપીને હાલ હેલ્મેટના અમલ માટે દંડ તથા ઇ-મેમો રોકવા સૂચના આપી છે.