મુદતમાં વધારો કરી આપવાની ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિર્સ દ્વારા નાણામંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે
Vadodara તા.૯
હાલમાં દેશના ઘણા રાજ્યોમાં વિનાશક પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનાઓ થઈ હોવાથી વિવિધ ઇન્કમટેક્સ રિટર્ન અને વર્ષ ૨૦૨૫-૨૬ના ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની મુદતમાં વધારો કરી આપવાની ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિર્સ દ્વારા નાણામંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ઇન્કમટેક્સ પોર્ટલ પર રિટર્ન અપલોડ કરતી વખતે સિસ્ટમ એરરના કારણે ટેકનિકલ ઇસ્યુઓ પણ ઊભા થઈ રહ્યા છે. આ ઉપરાંત ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટના ફોર્મેટમાં સુધારો, આવનારા તહેવારોની સિઝન તેમજ ભારે વરસાદ અને પૂરના કારણે પણ ધંધાકીય પ્રવૃત્તિઓને ફટકો પડ્યો છે.
ઇન્ટરનેટ સર્વિસ, વીજ પુરવઠો અને ટ્રાન્સપોર્ટેશન ખોરવાઈ ગયું છે. આવી પરિસ્થિતિઓ વચ્ચે ઇન્કમટેક્સ રિટર્ન અને ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાનું અશક્ય થઈ ગયું છે.
જેથી નોન ઓડિટ કેસોમાં રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૧૫ સપ્ટેમ્બર છે, તે ૧૫ ઓક્ટોબર કરવા અનુરોધ કર્યો છે. એ જ પ્રમાણે ટેક્સ ઓડિટ રિપોર્ટની તારીખ ૩૦ સપ્ટેમ્બરથી લંબાવીને ૩૧ ઓક્ટોબર, ઓડિટ કેસોમાં ઇન્કમટેક્સ રિટર્નની તારીખ ૩૧ ઓક્ટોબરથી લંબાવીને ૩૦ નવેમ્બર અને વિલંબથી રિટર્ન ભરવાની તારીખ ૩૧ ડિસેમ્બરથી લંબાવીને ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૬ કરવા રજૂઆત કરવામાં આવી છે.