Washington,તા.10
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે પુષ્ટિ કરી છે કે તેમણે કતરમાં હમાસ વાટાઘાટકારો પર ઈઝરાયલના હુમલાની અગાઉથી જાણ કરવામાં આવી હતી પરંતુ તેમણે આ નિર્ણયથી અસંમતિ વ્યક્ત કરી હતી. મંગળવારે ગઈકાલે કતરની રાજધાની દોહામાં એક રાજકીય વાટાઘાટોને નિશાનો બનાવ્યા બાદ આ નિવેદન સામે આવ્યું છે.
ગાઝા યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકા સમર્થિત યુદ્ધવિરામ વાટાઘાટોમાં કતર મુખ્ય મધ્યસ્થી રહ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, અમેરિકાને આ હુમલાની જાણ કરવામાં આવી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રને અમેરિકન સૈન્ય દ્વારા જાણ કરવામાં આવી હતી કે ઈઝરાયલ હમાસ પર હુમલો કરી રહ્યું છે, જે કમનસીબે દોહાના એક વિસ્તારમાં હાજર હતું.
કતર જેવા સાર્વભૌમ દેશ અને અમેરિકાના નજીકના સાથી પર એકપક્ષીય બોમ્બમારો કરવો એ ઈઝરાયલ કે અમેરિકાના હિતમાં નથી, જે શાંતિ સ્થાપિત કરવા માટે અમારી સાથે સખત મહેનત કરી રહ્યું છે અને જોખમ લઈ રહ્યું છે. જોકે, ગાઝાના લોકોના દુઃખથી લાભ મેળવનાર હમાસને ખતમ કરવો એ ચોક્કસપણે એક સાચો હેતુ છે.’
લેવિટે કહ્યું કે, ટ્રમ્પે તેમના ખાસ દૂત સ્ટીવ વિટકોફને કતર સરકારને ‘હુમલા વિશે પૂર્વ-માહિતી’ આપવાનો નિર્દેશ આપ્યો હતો. ટ્રમ્પે હુમલા પછી ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી હતી, પરંતુ તેમણે કોઈ કાર્યવાહીની ધમકી આપી હતી કે નહીં તે જણાવ્યું ન હતું. ટ્રમ્પ માને છે કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના શાંતિનો અવસર પણ બની શકે છે.
હમાસે દાવો કર્યો હતો કે, હુમલામાં તેના પાંચ સભ્યોના મોત થયા હતા, પરંતુ તેની મુખ્ય વાટાઘાટ કરનારી ટીમ બચી ગઈ હતી. મૃતકોમાં એક કતરનો સુરક્ષા અધિકારી પણ હતો, જેની પુષ્ટિ કતરના ગૃહ મંત્રાલયે કરી હતી. કતરના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજેદ અલ-અંસારીએ આ હુમલાની નિંદા કરતા તેને ‘કાયરતા’ ગણાવ્યું અને કહ્યું કે, ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલો આ હુમલો કતરના નાગરિકો માટે ગંભીર ખતરો છે.
ટ્રમ્પે હમાસ વાટાઘાટકારોને નવા યુદ્ધવિરામ કરાર અંગે ચેતવણી આપ્યાના થોડા દિવસ પછી જ આ હુમલો કરવામાં આવ્યો. અમેરિકા વાટાઘાટોમાં વિલંબ માટે સતત હમાસને દોષી ઠેરવી રહ્યું છે, જ્યારે ઈઝરાયલ પર વારંવાર વાટાઘાટોને પાટા પરથી ઉતારવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.