New Delhi,તા.10
શું આત્મહત્યા માત્ર સામાજીક અને આર્થિક દબાણનું પરિણામ છે? કે તેના પાછળ જૈવિક કારણ પણ છે. નવું સંશોધન એ દિશામાં ઈશારો કરી રહ્યું છે કે આત્મહત્યાની પ્રવૃતિ પાછળ વારસાગત અને જૈવિક કારણોની પણ મહત્વની ભૂમિકા હોય શકે છે.
આ પાસાની તપાસ માટે ભારત, અમેરિકા સહિત અનેક દેશોના વૈજ્ઞાનિકો મળીને એક મોટુ આંતરરાષ્ટ્રીય અધ્યયન કરી રહ્યા છે. જેના માટે દિલ્હી, એમ્સના ફોરેન્સીક વિભાગમાં `બ્રેઈન બાયો બેન્ક’ની સ્થાપના કરવામાં આવી છે, જેવા આપઘાત કરનારા વ્યક્તિઓના મસ્તિષ્કના નમૂનાઓને સુરક્ષિત કરી ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરવામાં આવશે. ડોકટર અધ્યયન કરી આત્મહત્યા માટે બ્રાયોલોજીકલ કારણોની ગુંચ ઉકેલશે.
ડોકટરોને આશા છે કે આ સંશોધન પુરું થવા પર તેઓ એવા માર્કરની ઓળખ કરવામાં સક્ષમ હશે જે લોકોને આત્મહત્યા કરવા ઉશ્કેરવામાં મદદ કરે છે, ત્યારે તેનું નિદાન પણ થઈ શકે છે.
એમ્સના ફોરેન્સીક વિભાગના પ્રોફેસર ડો. ચિતરંજન બેહરાએ જણાવ્યું હતું કે અમેરિકાના યુટા વિશ્વ વિદ્યાલય સાથે મળીને એક સંશોધન શરૂ કરવામાં આવ્યું છે, તેના માટે અમેરિકાના એનઆઈએચે ફંડ જાહેર કર્યું છે, જે અંતર્ગત ભારતમાં ચાર હજાર લોકો પર સંશોધન કરવામાં આવનાર છે.
અમેરિકામાંથી પણ 8000 સેમ્પલ સામેલ કરાશે. સંશોધન પાંચ વર્ષ સુધી ચાલશે. ડો. બેહરાએ જણાવ્યું હતું કે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆઈ)ના સહયોગથી આત્મહત્યા કરનાર 607 મૃતકો પર અધ્યયન કરાયું છે. તેમાં 313 આત્મહત્યા કરનાર 294 મોતના અન્ય મામલા સામેલ હતા. પ્રારંભીક સંશોધનમાં કેટલાક આશાસ્પદ પરિણામો જોવા મળ્યા હતા.
શું છે બ્રેઈન બાયો બેન્કઃ એમ્સ નવી દિલ્હીમાં બ્રેઈન બાયો બેન્કની શરૂઆત કરાઈ છે. તેમાં મસ્તિષ્કનો પુરો ભાગ નહીં, બલકે તેમાં ત્રણ ટુકડાના સેમ્પલને લઈને સુરક્ષિત રાખવામાં આવશે. તેમાં મસ્તિષ્કનું પીએફસી (પ્રિફ્રાન્ટલ કોર્ટેકસ), હિપોકેમ્પસ અને અભિગ્ડલા સામેલ છે.
આ મગજના એવા ભાગ છે, જે અનેક નિર્ણય લેવામાં મદદ કરે છે. તેમાં હજુ 250 આત્મહત્યાના મૃતકોના મસ્તિષ્કના સેમ્પલ છે. આત્મહત્યા કરનારના 4 હજાર લોકોના લોહીના નમૂના પણ લેવામાં આવશે.