New Delhi તા.10
ભારતના ODI કેપ્ટન રોહિત શર્માને દુનિયા હિટમેન તરીકે જાણે છે. રોહિતને તેની આક્રમક બેટિંગ શૈલી માટે હિટમેન કહેવામાં આવે છે. રોહિતે ટીમ ઈન્ડિયા માટે ખાસ કરીને ODI અને T20 ફોર્મેટમાં અદ્ભુત પ્રદર્શન કર્યું છે.
જોકે, ટેસ્ટ ક્રિકેટમાં તેની રન બનાવવાની સરેરાશ પણ 41 ની આસપાસ રહી છે. પરંતુ આ હોવા છતાં, ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરને લાગે છે કે રોહિત શર્મા સર્વકાલીન શ્રેષ્ઠ ભારતીયોની યાદીમાં ફિટ બેસતો નથી.
માંજરેકરે આ પાછળનું કારણ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના પ્રદર્શનને ગણાવ્યું છે. એ વાત સાચી છે કે રોહિત શર્મા વનડે અને ટી20 જેટલો પ્રભાવશાળી ટેસ્ટમાં રહ્યો નથી, પરંતુ જ્યારે પણ તેને તક મળી ત્યારે તેણે મજબૂત રમત બતાવવાનો પ્રયાસ કર્યો.
રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે ભારત માટે 67 ટેસ્ટ મેચોમાં 40.57 ની સરેરાશથી 4301 રન બનાવ્યા, જેમાં 12 સદી અને 18 અડધી સદીનો સમાવેશ થાય છે.
તાજેતરમાં, માંજરેકર દૂરદર્શનના ધ ગ્રેટ ઇન્ડિયન ક્રિકેટ શોમાં ગયા હતા. અહીં તેમણે રોહિત શર્મા વિશે કહ્યું, ‘રોહિત ભારતના સર્વકાલીન મહાન ખેલાડીઓની યાદીમાં ફિટ બેસતો નથી. કારણ કે આપણે સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી વિશે વાત કરી રહ્યા છીએ. મને નથી લાગતું કે રોહિત શર્મા આ યાદીમાં ફિટ બેસે.’
જોકે, માંજરેકરે મર્યાદિત ઓવરોમાં તેની રમત અને કેપ્ટનશીપની પણ પ્રશંસા કરી છે. માંજરેકરે માને છે કે વનડે અને ટી20માં કેપ્ટનશીપ કરતી વખતે, રોહિત હંમેશા ટીમને પોતાની સિદ્ધિઓથી ઉપર રાખે છે.
આ તેની સૌથી મોટી ખાસિયત રહી છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ ગયા વર્ષે ટી20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી, આ વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા, તેણે ટેસ્ટને પણ અલવિદા કહ્યું, પરંતુ તેણે વનડેમાં રમવાનું ચાલુ રાખ્યું છે. માંજરેકરે રોહિતની કેપ્ટનશીપની પ્રશંસા કરી હતી.
માંજરેકરને રોહિત શર્માનું ટેસ્ટ ક્રિકેટ ભલે પ્રભાવશાળી ન લાગે, પરંતુ તે તેને મર્યાદિત ઓવરોમાં એક મહાન ખેલાડી અને કેપ્ટન માને છે. તેમણે કહ્યું, `જો તમે રોહિતના ODI ક્રિકેટને જુઓ, તો તેની રમત હંમેશા ટીમ માટે રહી છે.
ખાસ કરીને જો તમે ODI વર્લ્ડ કપ 2023 ને જુઓ. લોકોને હંમેશા એવું લાગે છે કે રોહિત શર્મા પહેલા ટીમ માટે વિચારે છે, પોતાના માટે નહીં. આ જ કારણ છે કે ચાહકો તેને પસંદ કરે છે.’