Gandhinagarતા.૧૦
હાલના સમયમાં ગુજરાતની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાંથી સામે આવી રહેલી ગંભીર ઘટનાઓને કારણે રાજ્યનું શિક્ષણ વિભાગ પણ ભારે ચર્ચામાં રહ્યું છે, ત્યારે શિક્ષણ વિભાગ સાથે જ સંકળાયેલા એક મુદ્દે હાલ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુનિવર્સિટીને જે જગ્યાએ શૈક્ષણિક કાર્ય માટે મંજૂરી મળી હતી, તે મૂળ સ્થાનેથી અન્ય કોઈ સ્થાને હાલ ધમધમી રહી છે. આમાં પણ ચોંકાવનારી બાબત એ છે કે, આ મુદ્દો કોઈ વાદ-વિવાદ વચ્ચે નહીં પણ હાલમાં ચાલી રહેલા વિધાનસભાના ચોમાસું સત્રમાં ચર્ચાયો હતો.
હાલમાં ગુજરાતની ૧૫મી વિધાનસભાનું સાતમું સત્ર ચાલી રહ્યું છે. ખાસ આ ત્રિ-દિવસીય ચોમાસું સત્ર ગત ૮ સપ્ટેમ્બરને સોમવારના રોજ શરૂ થયું હતું. જેના શરૂઆતથી જ વિપક્ષ સરકાર પર અનેક મુદ્દે આકરા પ્રહારો કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. આજે આ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો ત્રીજો અને અંતિમ દિવસ છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પાટણ જિલ્લામાં આવેલી એમ. કે. યુનિવર્સિટી મુદ્દે પ્રશ્ન પૂછીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો.
ધારાસભ્ય કિરીટ પટેલે પ્રશ્ન પૂછ્યો હતો કે, પાટણ જિલ્લામાં આવેલી એમ. કે. યુનિવર્સિટીની મંજૂર કરેલી જગ્યાએ અન્ય જગ્યા પર ચાલે છે, હકીકત સાચી છે કે કેમ? આ અંગે સરકારને ફરિયાદ મળી છે કે કેમ? અને મળેલી ફરિયાદનું સરકારે નિરાકરણ માટે પગલાં લીધા છે કે કેમ? કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબ આપતા કબૂલ્યું કે, એમ. કે. યુનિવર્સિટી મંજૂર થયેલી જગ્યાના બદલે અન્ય જગ્યા ઉપર ચાલે છે. આ વાત ખૂબ જ સત્ય છે. જે અંગેની સરકારને ત્રણ રજૂઆત પણ મળી હોવાનો સ્વીકાર ગૃહમાં કરવામાં આવે છે.
જોકે મળેલી ફરિયાદના આધારે સરકારે કાર્યવાહી અંતર્ગત જણાવ્યું હતું કે, ફરિયાદોને આધારે નિયમો અનુસાર કાર્યવાહી હેતુ વિચારણા થઈ રહી છે. ત્યારે સરકારે મંજૂર કરેલી જગ્યા બદલે અન્ય સ્થળે ચાલતી હોવાના મામલે ગોળ ગોળ જવાબ આપીને સમગ્ર મામલો ઢાંકી પીછોડો કર્યો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન એમ. કે. યુનિવર્સિટી અંગે ચોંકાવનારા કારણો સામે આવ્યા હતા.