Gandhinagarતા.૧૦
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે, જેની શરૂઆત પ્રશ્નોત્તરીકાળથી કરવામાં આવી હતી. આ સત્રમાં કેટલાક મહત્વના વિધેયકો રજૂ કરવામાં આવી રહ્યા છે, જેમાંનું એક છે ’કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૫’. આ વિધેયક પર ગૃહમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન વાતાવરણ એકાએક ગરમાયું હતું.
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે આ બિલને લઈને ઉગ્ર શાબ્દિક ટપાટપી થઈ હતી, જેના કારણે ગૃહમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. ચર્ચા દરમિયાન, કાંતિ અમૃતિયાએ શ્રમિકોના મુદ્દે ટિપ્પણી કરતાં કહ્યું કે, “લોકો બહારથી કામ કરવા આવે છે.” આના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ તીખી પ્રતિક્રિયા આપતા સવાલ કર્યો કે, “જે લોકો ગેરકાયદેસર રીતે વિદેશ જાય છે, તેમનું શું?” આ ટૂંકી બોલાચાલીએ મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે અધ્યક્ષ રમણ વોરાને વચ્ચે પડીને બંને સભ્યોને શાંત પાડવા પડ્યા.
ગોપાલ ઇટાલિયાએ આ બિલ પર ઘણા ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, “એવી તો શું ઇમરજન્સી હતી કે આ બિલ આ રીતે લાવવું પડ્યું? શ્રમિકોએ પોતે આ માટે કોઈ રજૂઆત કરી ન હતી.” તેમણે આક્ષેપ કર્યો કે આ બિલ શ્રમિકોનું શોષણ કરનારા ઉદ્યોગપતિઓના સમર્થનમાં લાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, “આ સત્રનું ટેલિકાસ્ટ થતું નથી. જો કામદારો આ બિલને જોતા હોત, તો શું તેઓ તેનું સ્વાગત કરત?”
ઇટાલિયાએ કટાક્ષપૂર્ણ રીતે કહ્યું કે જો ગુજરાતના વિકાસ માટે મજૂરો ૧૨ કલાક કામ કરશે, તો શું શ્રમ વિભાગના સચિવો, મંત્રીઓ અને અન્ય સરકારી અધિકારીઓ પણ ૧૨ કલાક કામ કરશે? તેમણે તલાટી મંત્રીનું ઉદાહરણ આપતા કહ્યું કે, જો તેઓ માત્ર દેખાઈ પણ જાય તો લોકો ધન્યતા અનુભવે છે, અને બીજી તરફ મજૂરો પાસે ૧૨ કલાક કામ કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
તેમણે બિલમાં કામદારોની નોકરીના રક્ષણ માટે કોઈ જોગવાઈ ન હોવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી. અંતમાં, તેમણે રાજકીય કટાક્ષ કરતા કહ્યું કે, “હું બોલતો હોઉં અને કોઈ ભાજપનો સભ્ય સામે બોલે તો તેની ટિકિટ કન્ફર્મ થઈ જવાની શક્યતા વધી જાય છે. મારાથી કોઈનું સારું થાય તો મને કોઈ વાંધો નથી.” આ તમામ દલીલોએ ગૃહનું વાતાવરણ ગરમાવી દીધું હતું.