Maharashtra,તા.01
મહારાષ્ટ્રનાં બિડ જિલ્લાનાં અંબાજોગાઈ ગામનાં રહેવાસી 47 વર્ષીય રમાબાઈ રણવીરે પોતાની દીકરીઓનાં અભ્યાસનો ખર્ચ કાઢવા માટે એક સ્થાનિક મેરેથોનમાં ભાગ લીધો હતો.
મુંબઈમાં એક અકસ્માતમાં પતિના અવસાન બાદ રમાબાઈ પર બંને દીકરીઓનો ઉછેર કરવાની જવાબદારી આવી પડી હતી. પોતાની દીકરીઓને સારું શિક્ષણ અપાવવાના સંકલ્પ સાથે તેઓ અંબાજોગાઈની એક એકેડેમીમાં રસોઈયા તરીકે કામ કરવા લાગ્યા હતા, જેથી તેમની દીકરીઓ ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે.
સ્થાનિક સંસ્થા દ્વારા આયોજિત `અમૃત દોડ’ મેરેથોનમાં પ્રથમ ઈનામ રૂ. 3,000 હતું. રમાબાઈ સાધારણ સાડી પહેરીને સ્પર્ધામાં ઉતર્યા હતા. શરૂઆતમાં તેમણે ચપ્પલ પહેર્યા હતા, પરંતુ દોડતી વખતે ચપ્પલ લપસવા લાગતા તેમણે તે કાઢીને હાથમાં પકડી લીધા અને પથ્થરોવાળા રસ્તા પર ખુલ્લા પગે દોડવાનું ચાલું રાખ્યું.
તેમણે પોતાની મક્કમતા અને હિંમતથી યુવાન સ્પર્ધકોને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ખાસ વાત એ છે કે તેમની દીકરી પૂજાએ પણ આ મેરેથોનમાં બીજો નંબર મેળવ્યો હતો. જીત બાદ રમાબાઈએ જણાવ્યું કે દોડતી વખતે તેમના મગજમાં માત્ર તેમની દીકરીઓનું ભવિષ્ય જ ચાલી રહ્યું હતું અને આ ઈનામી રકમથી તેઓ દીકરીઓ માટે પુસ્તકો ખરીદશે.
હાલમાં તેમની એક દીકરી પોલીસ ભરતીની અને બીજી દીકરી બેંકિંગ પરીક્ષાની તૈયારી કરી રહી છે. એક માતાની આ અનન્ય હિંમત અને સમર્પણ જોઈને ઉપસ્થિત તમામ લોકોએ તેમના પર તાળીઓના ગડગડાટ સાથે પ્રશંસાનો વરસાદ વર્સાવ્યો હતો.

